Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

નર્મદા : નાંદોદ ખાતે નવનિર્મિત હજરપુરા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલના નેતૃત્વમાં બાળકોમાં પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે સમજ કેળવવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરીને આગળ ધપાવવા નાંદોદ ખાતે ઓ.એન.જી.સી. અંકલેશ્વર, મેટ્રો ફાઉન્ડેશન અને જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત હજરપુરા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના ઉપસરપંચ નિકુંજભાઈ પટેલ અને નાંદોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મૌસમબેન પટેલ અને તલાટી-કમ-મંત્રી અલ્પેશભાઈ રાણાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

  0 થી ૬ વર્ષનો સમય બાળકોમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક તથા ભાષાકીય કૌશલ્યોનો વિકાસ કરાવા અતિમહત્વપૂર્ણ હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યક્રમ બહેનો નાના ભૂલકાઓને અવનવી ઇન્ફોટેઇન્મેન્ટ એટલે કે માહિતી સાથે મનોરંજક પ્રવૃત્તિ કરાવીને બાળકોના માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ અને સરાહનીય કામગીરી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકરો દ્વારા વાર્તાલાપ, વાર્તા, નાટક, ગીત, સંગીત, રમતો, ચિત્ર, નિરીક્ષણવૃત્તિ થકી બાળકોમાં સંસ્કાર સદગુણોનું સિંચન કરવામાં આવે છે, જેથી બાળકોમાં જીવનના પાયાના ઘડતર સાથે સમાજ અને નવા ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે.
 આ પ્રસંગે ગામના સભ્યો, આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો સહિત નાના-નાના ભૂલકાઓ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી

(10:31 pm IST)