Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'અમદાવાદ આંધ્ર મહાસભા' ના ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન

- અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ની હિરક જયંતિ મહોત્સવની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સર્વ ધર્મ - સમભાવની કાર્ય પ્રણાલી વિકસાવી: રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં તેલુગુ લોકોનું વિશેષ યોગદાન:ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યના પરિવારોનુ રાજ્યના વિકાસમાં સરાહનીય યોગદાન: મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસ.જી.હાઇવે સ્થિત બાલાજી મંદિર ખાતે 'અમદાવાદ આંધ્ર મહાસભા' ના 75 વર્ષ પૂર્ણ થવા પર હિરક જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે ડાયમંડ જ્યુબીલી સોવેનિયરનું વિમોચન કર્યું હતું.

આ ડાયમંડ જ્યુબીલી સોવેનિયરના વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે જ અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS) ના અસ્તિત્વના 75 વર્ષ પૂર્ણ થયા છે અને સંસ્થા તેના હિરક જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે તે આનંદની બાબત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે  વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં નાત-જાત, ઊંચનીચ, ધર્મ અને ભાષાના ભેદભાવ વગરની સર્વ ધર્મ સમભાવની કાર્ય પ્રણાલી વિકસાવી છે. તેમણે શરૂ કરેલા સેવાકાર્યો અને પ્રજાકીય કાર્યોમાં હંમેશા પ્રજાનો સાથ સહકાર અને પ્રભુના આશીર્વાદ સાંપડ્યા છે.
અમદાવાદ બાલાજી મંદિર દિવ્ય સંકુલના નિર્માણકાર્યમાં પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તથા વડાપ્રધાનએ જ  આ મંદિર માં પ્રથમ દર્શન કરીને ભગવાન બાલાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ના કાર્યો અને ગુજરાતના વિકાસમાં તેલુગુ પરિવારોના પ્રદાન અંગે વાત કરતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, 'અમદાવાદ આંધ્ર મહાસભા' રક્તદાન, અન્નદાન, વિદ્યાદાન સહિતના અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલી સંસ્થા છે. આપણી સામાજિક- સાંસ્કૃતિક પરંપરાઓ હંમેશા સૌને સાથે લઈને ચાલનારી રહી છે અને 'અમદાવાદ આંધ્ર મહાસભા' તેનું સુપેરે પાલન કરી રહી છે. વિવિધ રીત- રિવાજોનું પાલન કરતા અને વિવિધ ભાષાઓ બોલતા લોકો દેશમાં 'વિવિધતામાં એકતા' ના મૂળ મંત્રને સાર્થક કરે છે.
 ગુજરાતમાં વર્ષોથી વસેલા તેલુગુ પરિવારોનો ગુજરાતના સર્વાંગી વિકાસમાં મહામૂલો ફાળો રહેલો છે. રાજ્યમાં કાપડ, ટેકનોલોજી, રસાયણ, ફાર્મા સહિતના ઉદ્યોગોમાં વર્ષોથી તેલુગુ લોકો પોતાનું વિશેષ યોગદાન આપતા રહ્યાં છે. ગુજરાતમાં વસેલા અન્ય રાજ્યના પરિવારો આ રીતે વર્ષોથી પરિશ્રમ દ્વારા સમાજ અને રાજ્યના વિકાસમાં યોગદાન અર્પણ કરીને ખરાં અર્થમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ'ના વિચારને સાર્થક કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ભાતીગળ સંસ્કૃતિઆઝાદીની લડાઈના સમયથી લઈને આજ સુધી  આધ્યાત્મિક ચેતનાના બળ પર વિવિધ પડકારો સામે ટકી રહી છે તથા દિવસેને દિવસે વધુ મજબૂત અને વિકસિત બની છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ દેશની ધાર્મિક અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બની છે. દેશના વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાનો દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે અને લોકોને દેશના વિકાસની મુખ્યધારામાં જોડી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે દેશને 'આત્મનિર્ભર ભારત' અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' બનાવવાના ઉમદા ધ્યેય સાથે દેશના સૌ સમુદાય એકસાથે મળીને પ્રયાસ કરી રહ્યાં છે તે અનુકરણીય છે.
આજે 'વસુધૈવ કુટુંમ્બકમ' ની ભાવના સાથે ભારત દેશ અમૃતકાળમાં વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત અને દેશના સૌ રાજ્યો આ જ રીતે વધુને વધુ સાથ સહકાર દ્વારા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ ને વધુ પ્રયત્નશીલ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.
 અત્રે ઉલ્લેખનીય છે કે , બે દિવસ સુધી અમદાવાદ બાલાજી મંદિર ખાતે ચાલનારા આ હિરક મહોત્સવ પ્રસંગની ઉજવણી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વિવિધ પ્રતિભાશાળી લોકોના સન્માનના કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે અમદાવાદ આંધ્ર મહાસભા (AAMS)ના સભ્યો, ટ્રસ્ટીગણ, દાતાઓ અને તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં અમદાવાદમાં વસતાં તેલુગુ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા

(7:15 pm IST)