Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

RT-PCR મામલે યુનિવર્સિટી ગાંઠતી નથી : સરકારે ચર્ચા નહિ આદેશ કરવાનો હોય: હાઇકોર્ટે ફરી સરકારને ઝાટકી

ટેસ્ટ મામલે સરકારના ડેટા અયોગ્ય: કોર્ટે કહ્યું કે મશીન વધ્યા છે તો ટેસ્ટમાં ઘટાડો કેમ..? : એમ્બ્યુલન્સ,ઓક્સીઝન અને આંકડા સહિતના મુદ્દે હાઇકોર્ટે સરકારનો કાન આમળ્યો

અમદાવાદ : કોરોનાના ઉપયોગી એવા RT-PCR ટેસ્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે સ્વીકાર કર્યો છે કે યુનિવર્સિટીઓ ગાંઠતી નથી.સરકાર તરફથી કમલ ત્રિવેદીએ કહ્યું કે 21 યુનિવર્સિટીઓએ હજુ સુધી RT-PCR ટેસ્ટ શરૂ કર્યા નથી. હાલ આવી યુનિવર્સિટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. જો યુનિવર્સિટીઓ ટેસ્ટ નહીં કરે તો અમે કાર્યવાહી કરીશું

આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝાટકી નાખી છે કોર્ટે કહ્યું કે તમારે વિનંતી નહીં આદેશ કરવાનો હોય. ટેસ્ટ કરવા માટે યુનિવર્સિટીઓને આદેશ કરો. સાથે જ કોર્ટે કહ્યું કે ટેસ્ટ મામલે સરકારના ડેટા અયોગ્ય છે.

જે મામલે કમલ ત્રિવેદીએ જણાવ્યું કે આજની તારીખે 71 મશીન કામ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે મશીન વધ્યા છે તો ટેસ્ટમાં ઘટાડો કેમ..? જે મામલે ત્રિવેદીએ ક્હયું કે ટેસ્ટ કરાવવા આવતા દરેક લોકોના ટેસ્ટ થાય છે. હવે ટોકન સિસ્ટમ પણ હટાવી લેવાઈ છે.

ગુજરાતમાં વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં આજે પણ સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઇકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું દાખલ કરવામાં આવ્યું હતું ને રાજ્યમાં કોરોના વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી ત્યારે આજે હાઇકોર્ટમાં અમદાવાદની ઍમ્બ્યુલન્સનો મુદ્દો પણ ઉછળ્યો હતો

અમદાવાદમાં થોડા દિવસ પહેલા સુધી માત્ર 108માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા જોકે કેટલાય દિવસ સુધી ભારે વિરોધ બાદ તંત્ર દ્વારા આ નિર્ણય હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે આજે રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે 108નો નિર્ણય તો કૉર્પોરેશનનો હતો અમારો નહીં. કોરોના સમયે નિષ્ફળ રહેલી રાજ્ય સરકારને હાઈકોર્ટે આજે સવાલ કરતાં કહ્યું કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી? શું સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર નથી રખાતી? અને કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી? દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે કે જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળતા.

આ સિવાય રેમડેસિવિર ઈંજેક્શન તથા ઑક્સીજન મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારથી વિવિધ સવાલો કર્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું કે માગ પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શન કેમ નથી અપાતા? ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે પણ રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન ન સ્થાપી શકે? જેના પર AG કમલ ત્રિવેદીએ જવાબ આપ્યો કે ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટીરિયલ ભારતમાં ઉપલબ્ધ નથી અને રો મટીરિયલ વિદેશથી આયાત કરવું પડે છે જેમાં આયાત માટે 2થી 3 મહિનાનો સમય લાગે છે. રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ બનાવવું પ્લાનિંગ છે.

નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓને સારવાર માટે બેડ નથી મળી રહ્યા ત્યારે આજે સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલીટી મામલે AMCના વકીલને ખખડાવ્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય, દર્દીઓને એક હોસ્પિટલતી બીજી હોસ્પિટલ ભટકતા ન છોડી શકાય. જો અન્ય કોર્પોરેશન કરી શકે તો AMC કેમ ન કરી શકે? AMC શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે

(9:48 pm IST)