Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સુરતમાં ફરી રેમડેસિવિરની કાળા બજારી : ત્રણની ધરપકડ

સુરત,તા. :  સુરત શહેરમાં ફરી એકવાર રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. ઓલપાડમાંથી નકલી ઇન્જેક્શન બનાવાવની ફેક્ટરી ઝડપાયા બાદ તેની ખરીદી કરનારની ધરપકડ કર્યા બાદ સતત ત્રીજા દિવસે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ખટોદરા પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરી રહેલા ભેસ્તાનની સાંઈદીપ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી.

હોસ્પિટલમાંથી ડોક્ટર દર્દીના સંબંધીને નવી સિવિલમાં પ્રિસ્ક્રિપ્શન આપી ઇન્જેક્શન મંગાવતા હતા. બાદ ઇન્જેક્શન હોસ્પિટલનો કમ્પાઉન્ડર અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર બહાર ઊંચી કિંમતે વેચતા હતાં. સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી અને નકલી ઈન્જેકશનનાં રોજબરોજ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

મોરબીમાં ઇન્જેક્શન સાથે એક વ્યક્તિ ઝડપાયા બાદ ઓલપાડ ખાતેથી આખી ફેક્ટરી ઝડપાયા બાદ રાજ્ય વ્યાપી સમગ્ર કૌભાંડ ઝડપાયું હતું. જો કે ત્યાર બાદ સુરતમાંઆ ઈન્જેકશન ખરીદનારની ગત રોજ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે આજે સતત ત્રીજા દિવસે વધુ ઘટના સામે આવી છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ખટોદરા પોલીસને એક વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શનનું ઊંચી કિંમતે વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

જેના પગલે ખટોદરા પોલીસે ડમી ગ્રાહક બનાવી સાંઈદીપ હોસ્પિટલનાં કમ્પાઉન્ડર સુભાષ રામસુમીરન યાદવનો સંપર્ક કર્યો હતો. સુભાષ પાસે ઇન્જેક્શનની માંગણી કરતાં તેણે એક ઇન્જેક્શનની કિંમત ૧૮ હજાર રૂપિયા હોવાનું કહ્યું હતું. જેથી તે ઇન્જેક્શન લેવા માટે સુભાષને અણુવ્રતદ્વાર, એવરગ્રીન માર્બલ સામે બોલાવ્યો હતો.

તેની પાસેથી બે ઇન્જેક્શન ૩૬ હજારની કિંમતે મેળવ્યા બાદ બીજા કેટલાં ઇન્જેક્શન મળી રહેશે તે અંગે પૂછ્યું હતું. સુભાષે તેના મિત્ર વિશાલને ફોન કરીને પૂછતાં બીજાં ઇન્જેક્શન હોવાનું કહ્યું હતું. વિશાલ સંજીવની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. વિશાલ બીજાં ઇન્જેક્શન લઈ અણુવ્રતદ્વાર પાસે જતાં પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો.

(9:49 pm IST)