Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

સાણંદમાં ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

કોરોનાના વધતા કેસોની વચ્ચે રાજ્યમાં ઉજવણી : નવાપુરા, નિધરાડ, કોલાટમાં નિયમોની ઐસી કી તૈસી કરી કાર્યક્રમોમાં સેંકડો લોકો એકત્ર થતાં પોલીસ દોડતી થઈ

અમદાવાદ, તા. ૫ : એક તરફ કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સાણંદના નવાપુરા, નિધરાડ અને કોલાટ ગામમાં નિયમોની ઐસી કી તૈસી કરી ધાર્મિક કાર્યક્રમોમાં સેંકડો લોકો એકત્ર થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી. કામરિયાના જણાવ્યા અનુસાર, ગામના સરપંચ સહિત ૨૩ લોકો સામે આ મામલે પગલાં લેવામાં આવ્યા છે.

સાણંદ તાલુકાના આ ત્રણેય ગામોમાં સોમવારે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્ત્રીઓ પણ માથે પાણીના ઘડા લઈને જોડાઈ હતી. કાર્યક્રમમાં હાજર રહેલા લોકોમાંથી ના તો કોઈએ માસ્ક પહેર્યું હતું કે ના તો સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કંઈ રખાયું હતું. એક તરફ ગુજરાતમાં ગઈકાલે કુલ ૩૬ શહેરોમાં નાઈટ કરફ્યૂથી લઈને બીજા અનેક નિયંત્રણો લાગુ કરાયા છે, ત્યારે બીજી તરફ અમદાવાદને અડીને આવેલા સાણંદમાં જ નિયમોનો સરેઆમ ભંગ થતાં પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. પોલીસે આ મામલે ૨૩ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં ધાર્મિક કાર્યક્રમના આયોજકો ઉપરાંત ડીજેવાળાનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જે વાહનમાં ડીજેના સ્પીકરો રાખવામાં આવ્યા હતા તેને પણ જપ્ત કરાયું છે. નવાઈની વાત એ છે કે, સોમવારે બનેલી આ ઘટનાની પોલીસને કોઈ માહિતી નહોતી. જોકે, બુધવારે તેના વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી, અને ગામના સરપંચ સહિતના લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ધાર્મિક કાર્યક્રમમાં જોડાયેલી સ્ત્રીઓ સામે ગુનો નોંધવાને બદલે પોલીસે તેમના પતિઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

(7:50 pm IST)