Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ફરજનો સાદ : લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થયા આરતીબેન :ડાયેટ વિભાગના સહકર્મીઓ કોરોનાથી સંક્રમિત થતા નવવધુ આરતીબહેને કામે વળગીને પરિસ્થિતિ સંભાળી

અંગત જીવન કરતા પોતાના દર્દીઓને પ્રાથમિકતા આપી:"સ્વ" નહિં પરંતુ "સમષ્ટિ" માટે કામ કરવાનો આ સમય છે : આરતીબેન ગજ્જર:છેલ્લા એક વર્ષથી કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે

અમદાવાદ : લગ્નજીવનની હજૂ તો શરૂઆત જ થઇ હતી, હાથની મહેંદી પણ હજૂ સુકાઇ ન હતી, દાપત્યજીવન શું હોય તે સમજવાના પ્રયત્નો કરી રહ્યા હતા, લગ્નજીવન બાદ મનના માણીગર સાથે સમય પસાર કરવાના સ્વપ્ન સેવતા હતા અને તેને જાણવાની કોશિશ જ કરી રહ્યા હતા.. ત્યાં જ આરતીબહેનનો ફોન રણક્યો... “આપણા ડાયેટિશિયન વિભાગમાં છ મિત્રો કોરોના પોઝિટિવ થયા છે”.ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર આરતીબેને કહ્યું “હું કાલથી ડ્યુટી જોઇન કરૂ છું”.

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા આરતીબેન ગજ્જરના લગ્ન હજુ ગત પચીસમી એપ્રિલના રોજ ખંભાત ખાતે થયા હતા. તેઓના દાપત્યજીવનની હજુ શરૂઆત જ થઇ હતી. લગ્ન બાદ સ્વભાવિક છે કે સાસરે રહીને નવજીવનને, નવી જવાબદારીઓને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ તેમને જાણ થઇ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. પરિસ્થિતિ પારખીને  આરતીબહેને પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું. તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને આરતીબહેને લગ્ન પછીના ચોથા જ  દિવસે ડયુટી જોઇન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી ત્યાં તેમણે તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી હતી.
આરતીબહેન ગજ્જર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કોરોનામાં ફરજ અદા કરી રહ્યા છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તે માટે દર્દીઓના અન્નપૂર્ણા બનીને  કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આરતીબહેને પુરુ પાડ્યું છે. તેઓ વોર્ડમાં જઇને દર્દીઓને અલગ અલગ સમયે સંતુલિત ખોરાક, તેમના શરીરના જરૂરિયાત મુજબનો ખોરાક નક્કી કરીને તેમને પહોંચતુ કરે છે. ઘણી વખત વોર્ડમાં જઇને જે દર્દીઓ મોં વાટે ખોરાક નથી લઇ શકતા તેઓને રાઇલ્સ ટ્યુબ વડે ખોરાક ખવડાવે છે.
સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલનું એક્સટેન્સન એવી મંજુશ્રી કોવિડ હોસ્પિટલ જ્યારથી શરૂ થઇ ત્યારથી મંજુશ્રી હોસ્પિટલમાં પણ ડાયેટ વિભાગમાં ઉત્તમ કામગીરી કરીને દરિદ્રનારાયણની સેવાનું કામ આરતીબહેને કર્યું છે.
આરતીબહેન કહે છે કે, લગ્નના ચોથા દિવસે જ્યારે મને જાણ થઇ કે મારા અન્ય સાથી મિત્રો કોરોનાથી સંક્રમિત થયા છે અને હોસ્પિટલને મારી જરૂર છે. ત્યારે કંઇ પણ વિચાર કર્યા વગર લગ્નજીવનના ચોથા જ દિવસે મેં મારી ડ્યુટી જોઇન કરી છે. આવી કપરી પરિસ્થિતિમાં અંગત જીવન કરતા સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી છે. એક દર્દીને સમયસર જમવાનું મળી રહે તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્વનું હતું, જેથી હું ખૂબ જ ટૂંકાગાળામાં ફરજ પર હાજર થઇ છું.
આવી પરિસ્થિતિઓમાં સ્વને ભૂલીને સમષ્ટિનું વિચારી ફરજને પ્રાધાન્ય આપે તે જ સાચો કર્મચારી કહેવાય આ જ બાબતને ધ્યાનમાં રાખીને દર્દીનારાયણની સેવા કરવા માટે હું લાગી ગઇ છું તેવું આરતીબહેન ઉમેરે છે.

(8:07 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • કર્ણાટકમાં કોરોના કેસનો આંક પ્રથમ વખત ૫૦ હજારને વળોટી ગયો કર્ણાટકમાં પ્રથમ વખત ૫૦ હજાર ઉપર નવા કેસ નોંધાયા, ૨૬૮૪૧ સાજા થયા અને છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૬ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST