Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ગુજરાતમાં ૨૦૨૨માં મુખ્યમંત્રીનો ચહેરો કયો હશે?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠકઃ બે દિવસ માટે ચાલનાર આ બેઠકમાં આગામી વર્ષે યોજાનાર રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ મહત્વની ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૫: આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળનાર છે બે દિવસ માટે મળનાર આ બેઠકમાં આગામી વર્ષે વિવિધ રાજયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓને લઈ મહત્વની ચર્ચાઓ કરવામાં આવનાર છે આ બેઠકમાં ઉત્ત્।ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, પંજાબ અને ગુજરાત સહિત રાજયોના પ્રદેશ પ્રમુખો હાજર રહેનાર છે. સેવા જ સંગઠન નામના અભિયાનની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમજ સંગઠન માળખાને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવનાર છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજયોના મહાસચિવો અને સંગઠન મંત્રીઓને રાજયોના રિપોર્ટ તૈયાર કરી લાવવાની નિર્દેશો પણ કરવામાં આવ્યા છે જેમાં રાજયોના રીપોર્ટ રજૂ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે પંશ્વિમ બંગાળની ચૂંટણી પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી વહેલી યોજાશે પરતું ૨૦૨૨ના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાવાની છે તેવી અટકળો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું અને જણાવ્યું હતું કે રાજયમાં સમયસર જ ચૂંટણી યોજાવાની છે. અને કહ્યું હતું કે ચૂંટણી વહેલી યોજાવાની વાતમાં કોઈ તથ્ય નથી.જો હવે ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી યોજાનાર છે જેને લઈને ગુજરાત ભાજપના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ભાગ લેવા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના નેતાઓ પહોંચ્યા છે. આ બેઠકમાં અનેક રાજયોના મહાસચિવો તેમજ મોટા નેતાઓ  ભાગ લેનાર છે મહત્વનું છે કે રાજયની ૬ મહાનગરપાલિકાઓની સાથે જિલ્લા તેમજ તાલુકા અને ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. આ ઉપરાંત, ૨૦૨૦માં થયેલી વિધાનસભાની છ બેઠકો પરની પેટાચૂંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીઓમાં રાજયમાંથી કોંગ્રેસના જાણે કે સૂપડાં જ સાફ થઈ ગયા છે.

બીજી તરફ આમ આદમી તેમજ AIMIM જેવી નાની પાર્ટીઓનો ઉદય થતો જોવા મળી રહ્યો છે. તેમાંય આમ આદમી પાર્ટીએ તો સુરતમાં કોંગ્રેસને પણ પાછળ રાખી સૌને ચોંકાવી દીધા છે. અને વિપક્ષ તરીકે સત્તા સંભાળી છે ત્યારે આવનાર વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીઓમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. જેને લઈને ભાજપના મોટા નેતાઓએ દિલ્હીમાં બેઠકનો દોર શરૂ કર્યો છે.  રાજયમાં ૨૦૧૭માં જે વિધાનસભા ચૂંટણી થઈ હતી તેમાં ભાજપનો દેખાવ પ્રમાણમાં ખૂબ જ નબળો રહ્યો હતો અને પક્ષને ૧૦૦થી પણ ઓછી બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ થયેલી પેટાચૂંટણીઓ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને તોડીને ભાજપમાં લાવવાની રણનીતિથી ભાજપનું સંખ્યાબળ હાલ વિધાનસભામાં વધીને મજબૂત સ્થિતિમાં આવી ચૂકયું છે. જેના કારણે રાજયસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને પોતાની અગાઉની બેઠકો ગુમાવવી પડી હતી હવે મદાર ૨૦૨૨ની ચૂંટણીઓ પર જોવા મળી રહ્યો છે.

(3:54 pm IST)