Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉદયપુરના કનૈયાલાલ હત્‍યા કેસ તપાસમાં અમદાવાદના યુવકના નંબર મળતા પાકિસ્‍તાન કનેકશન જાણવા માટે આરોપીઓના મોબાઇલ ચેક કરાયા

આરોપીના મોબાઇલની કોલ ડિટેઇલ તથા ઇન્‍ટરનેટ પ્રોટોકોલ ડિટેઇલ રેકોર્ડની તપાસ

અમદાવાદઃ ઉદયપુરના કનૈયાલાલ હત્‍યા કેસ મામલે અમદાવાદમાં સરખેજના યુવકના નંબર મળતા હત્‍યાનું કનેકશન પાકિસ્‍તાનમાં છે કે કેમ ? તે બાબતે પોલીસ દ્વારા હત્‍યારાઓના મોબાઇલ નંબર ચેક કરાયા છે. અમદાવાદ બાદ પાકિસ્‍તાન સુધી તપાસ થઇ શકે છે અને હત્‍યા કેસમાં મોટો ખુલાસો થાય તેમ છે.

ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેક્શન ખૂલ્યા બાદ હવે અમદાવાદ સાથે કનેક્શન ખૂલ્યુ છે. કન્હૈયાલાલના હત્યારાઓના મોબાઇલ ફોનમાથી અમદાવાદના સરખેજના યુવકોના નંબર મળી આવ્યા છે. સરખેજના યુવકોના નંબર મળી આવતા સ્થાનિક એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. સરખેજના યુવકોના ઉદયપુર હત્યા કેસ સંડોવણી છે કે નહિ તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકો કેવી માનસિકતા ધરાવે છે તેની લઇને પણ તપાસ શરૂ કરાઈ છે. નજીકના સમયમા ગુજરાત પોલીસ આ મામલે ખુલાસા કરી શકે છે.

પાકિસ્તાન કનેક્શન જાણવા આરોપીઓના મોબાઈલ ચેક કરાયા

NIA સહિત અનેક સુરક્ષા એજન્સીઓ ઉદયપુર મર્ડર કેસમાં તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ફોન તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરવામા આવી રહ્યાં છે. જેથી એ માલૂમ પડશે કે શુ કરાંચી સ્થિત દાવત-એ-ઈસ્લામી ધાર્મિક ગ્રૂપ દ્વારા કટ્ટરપંથનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં તેમનુ શુ કનેક્શન છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, ચાર આરીપઓમાંથી એક જેઈઆઈ સાથે જોડાયેલો હતો.

રાજસ્થાન પોલીસે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની મદદથી કન્હૈયાલ લાલની 28 જૂનના રોજ તેમની દુકાનમાં કરાયેલા હત્યાના મામલામાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી છે.

કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને NIA દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કન્હૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી.

(5:38 pm IST)