Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન થઇ શકે તે માટે રાજ્ય સરકારે દેશનો સૌ પ્રથમ એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ-“ગરિમા સેલ” તૈયાર કર્યો : પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી

આગામી તા.૭મી જુલાઇના રોજ “ગરિમા સેલ”નુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ: નવી શૈક્ષણિક નીતિના અમલના દૃઢ સંકલ્પ સાથે શિક્ષણની ગુણવત્તાના માપદંડોમાં અગ્રેસર ગુજરાત: ચંદીગઢની યુનિવર્સિટી સાથે આ સંદર્ભે જરૂરી એમ.ઓ.યુ પણ કરાયા

અમદાવાદ :પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશના શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન માટે જાહેર કરાયેલી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ના અમલીકરણ માટે ગુજરાત સતત પ્રયત્નશીલ અને અગ્રેસર છે. તેના માટે તૈયાર કરાયેલા રોડમેપમાં ગુજરાતે એક મહત્વની પહેલ કરી છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન થઇ શકે તે માટે રાજ્ય સરકારે દેશનુ સૌ પ્રથમ એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ-“ગરિમા સેલ” તૈયાર કર્યો છે. આગામી તા.૭મી જુલાઇના રોજ આ સેલનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, રેન્કિંગ અને રેટીંગ પર ભાર મુકી ગુજરાત રાજ્ય ક્વોલિટી અને હોલીસ્ટીક એજ્યુકેશનની દિશામાં સતત આગળ વધી રહ્યુ છે ત્યારે આ એજ્યુકેશન ક્વોલીટી એન્ડ મોનિટરીંગ સેલ-“ગરિમા સેલ” ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ખુબ જ મહત્વનુ સાબિત થશે. ચંદીગઢની યુનિવર્સિટી સાથે આ સંદર્ભે જરૂરી એમ.ઓ.યુ પણ કરવામાં આવ્યા છે.
મંત્રીએ ઉમેર્યુ કે, આપણા દેશમાં આ માટે National Assessment and Accreditation Council (NAAC), National Institutional Ranking System (NIRF) અને National Board of Accreditation (NBA) કાર્યરત છે. ગુજરાતમાં પણ ગુણવત્તાના નિયત માપદંડો મુજબ રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત થાય, નિયમિત રીતે તેમનું મૂલ્યાંકન થાય, તેઓ નેશનલ અને ઈન્ટરનેશલ રેન્કીંગ પ્રાપ્ત કરે અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધુને વધુ સારી થાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવી પહેલ “ગરિમા સેલ”ની શરૂઆત થશે.
મંત્રીએ વધુમાં કહ્યુ કે, ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા કેન્દ્ર-“ગરિમા સેલ” થકી સંસ્થાકીય ઉત્કૃષ્ટતા અને મૂલ્યવર્ધિત શિક્ષણ સુનિશ્ચિત થશે. સંસ્થાગત માપદંડ, મૂલ્યાંકન અને માન્યતાનો ઉદ્દેશ્ય સિદ્ધ થશે. ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નિયત થયેલ માપદંડો પ્રાપ્ત કરશે. તે ઉપરાંત આ સંસ્થાઓમાં અધ્યયન-અધ્યાપન અને સંશોધનને પ્રોત્સાહન મળશે.
મંત્રીએ ઉમેર્યુ કે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને રેન્કીંગ આપવા માટે વિશ્વસ્તરે રાજ્યની વધુ ને વધુ સંસ્થાઓ આવા અગ્રીમ રેન્કીંગ પ્રાપ્ત કરે તે માટે ગરિમા દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ સાથે એમ.ઓ.યુ. અને પાર્ટનરશીપ કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં યોગ્ય તાલીમ અને માર્ગદર્શન થકી રાજ્યની ૧૦૦ ટકા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્રેડીટેશન મેળવે તેવા લક્ષ્યને સિદ્ધ કરવામાં આવશે.

(6:42 pm IST)