Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

પેટલાદમાં મહિલાના ઘરે પોલીસે ઓચિંતાનો છાપો મારતા 55 લીટર નશીલી તાડીનો જથ્થો ઝડપવામાં આવ્યો

આણંદ : આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ તેમજ નશીલી તાડીનો વેપાર ધમધમતો હોવાની ફરિયાદો ઉઠતાં પોલીસ દ્વારા હવે તે દિશામાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજ આણંદ એલસીબી પોલીસે પેટલાદ ખાતે એક મહિલાના ઘરે છાપો મારી પંચાવન લીટર નશીલી તાડી સાથે તેણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટલાદના નાગોર તલાવડી નજીક રહેતી દક્ષાબેન સોમાભાઈ તળપદા છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરે કેમીકલયુક્ત નશીલી તાડીનું ખાનગી રાહે વેચાણ કરતી હોવાની  બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં નાગોડ તલાવડી વિસ્તારમાં દક્ષાબેન સોમાભાઈ તળપદા મળી આવતા પોલીસે તેના ઘરની તલાશી લીધી હતી. જેમાં એક મીણીયાની થેલીમાંથી ૭૫ નંગ કોથળીઓ મળી આવી હતી. કોથળીઓ તેમજ બે કેરબામાંથી મળી કુલ ૫૫ લીટર નશીલી તાડી પોલીસે કબજે લીધી હતી. જેની અંદાજિત કિંમત રૂા. ૧૧,૦૦ જેટલી થવા જાય છે. પોલીસે તાડીનો જથ્થો તેમજ રોકડ મળી કુલ્લે રૂા. ૨૨૩૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ મહિલા વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:57 pm IST)