Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડોદરામાં વિધવા શિક્ષિકાની દુકાન પચાવી પાડનાર સસરા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ

વડોદરા: એકલવાયું જીવન ગુજારતી વિધવા શિક્ષિકાની માલિકીની દુકાનનું 3.67 લાખ ભાડું નહિ ચૂકવી દુકાન પચાવી પાડનાર ભાડુઆત અને દુકાન માલિક ન હોવા છતાં પાંચ વર્ષનો ભાડા કરાર કરી આપનાર સસરા વિરુદ્ધ કલેકટરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો છે.

વડોદરા જિલ્લાના પોર તાલુકા ખાતે રહેતા દીપાબહેન દીક્ષિતભાઈ પટેલ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અકસ્માતમાં પતિના નિધન બાદ સાસરિયાંઓએ જાકારો આપતા તેઓ અલગ થઈ વિધવા જીવન ગુજારી રહ્યા છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2017 દરમિયાન તેમના પતિએ માંજલપુર વિસ્તારમાં આવેલ સમન્વય સપ્તર્ષિ ટાવરમાં 42 નંબરની દુકાન અજીત એલ. પટેલ પાસેથી ખરીદી હતી. પતિના નિધન બાદ તેમાં વારસદાર તરીકે મારી દીકરીનું નામ દાખલ થયું હતું. જે દુકાન તેમના પતિએ ધર્મેશ હસમુખભાઈ ખરચરીયા ( રહે - રિદ્ધિ સિદ્ધિ નગર, મહાવીરહોલ સામે ,આજવા રોડ) ને સલૂનના કામ માટે વર્ષ 2018 થી ભાડા કરાર થકી આપી હતી. પતિના નિધન બાદ ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, હું તમારા સસરાને ભાડું ચૂકવું છું તમને ભાડું નહીં આપું. જેથી સસરા સુરેશભાઈ સાથે વાત કરતા મને ભાડું આપવાની સ્પષ્ટ ના પાડી હતી. ત્યારબાદ વકીલ મારફતે ભાડુઆતને નોટિસ પાઠવી હતી. જો કે કોઈ જવાબ ન મળતા વધુ એક નોટિસ પાઠવી જણાવ્યું હતું કે, 35 મહિનાનું 10,500 લેખે 3.67 લાખ ભાડું આપી દુકાનનો કબજો અમને ટ્યુશન ક્લાસ ચલાવવા માટે સોંપી દો. તેમ છતાં બાકી ભાડું નહીં ચૂકવી દુકાનનો કબજો પણ અમને સોપ્યો નથી. જેથી કલેક્ટર કચેરીના દરવાજા ખટખટાવ્યા હતા. જેના આધારે માંજલપુર પોલીસે સસરા અને ભાડુઆતની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:59 pm IST)