Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

GST પોર્ટલ ઠપ્પ : રિટર્ન ફાઇલ ન થતા વેપારીઓ પરેશાન

દર મહિનાની છેલ્લી તારીખોમાં પોર્ટલ ઠપ્પ થતાં રિટર્ન ફાઇલ થતા નથી, અધિકારી આડેધડ દંડ ફટકારે છે

અમદાવાદ,તા. ૪: જીએસટીનો અમલ શરૂ થયે ચાર વર્ષ પૂરા થઇ રહ્યાં છે તેમ છતાં વેપારીઓની સમસ્યાઓ દિવસે દિવસે ઘટવાના બદલે વધતી જઈ રહી છે. જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જીએસટી પોર્ટલ જયારે રિટર્નફાઈલ કરવાનું હોય ત્યારે બંધ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં પણ જયારે રિટર્ન ફાઈલ કરવાનું હતું ત્યારે પોર્ટલ બંધ થઈ જતા વ્યાપારીઓ રિટર્ન ફાઇલ કરી શકયા નથી. ડિપાર્ટમેન્ટની ક્ષતિ હોવા છતાં વેપારીઓને દંડ ફટકારવામાં આવી જો છે. હજુ ગત મહિને ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓને આડેધડ નોટિસ ફટકારાઇ હોવાથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

દેશમાંથી બિલ વગર વેચાતા માલનું દુષણ બંધ થાય અને કરચોરી અટકે તેના માટે સરકાર દ્વારા જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જીએસટીને કારણે વેપારીઓને જુદા જુદા સ્થળે ચૂકવવાના થતા ટેકસને બદલે એક જ કરમાળખું ગોઠવવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

જીએસટીનો અમલ શરૂ થઇ ગયો છે પરતુ વેપારીઓ અને જીએસટી રિટર્ન ફાઈલ કરનાર ઉદ્યોગપતિઓની પરેશાની  વધતી જઈ રહી છે. ચાર વર્ષથી નિયમિત રીતે રિટર્ન ફાઇલ કરવાના સમયે જીએસટી પોર્ટલ ખોટવાઈ જાય છે.જેનેપગલે વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકતા નથી અને ડિપાર્ટમેન્ટ દ્વારા દંડની નોટિસ ફટકારવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ છેલ્લા ઘણા સમયથી જીએસટીના અધિકારીઓ દ્વારા ટાર્ગેટ પૂરો કરવા માટે આડેધડ હજારો વેપારીઓને એકસરખી નોટિસ ફટકારી દેવામાં આવી છે , જેના કારણે પણ વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

(10:19 am IST)