Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ફસ્ટ ટ્રેક પર ચાલતા ભારે વાહનો સામે સુરત રેન્જ પોલીસની ટીમની મહેનત રંગ લાવી અકસ્માતના આંકડામાં ધટાડો

સુરત રેન્જના તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમન ઉપર પણ રેન્જ વડા ડો રાજકુમાર પાંડિયને ભાર મુકતા તેનું અસરકારક પરિણામ મળ્યું :અકિલા સાથે વાતચીતમાં સુરત રેન્જ પોલીસ વડા એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયન કહ્યું -ફસ્ટ ટ્રેક પર ની કાર્યવાહી થી વાહન ચાલકોનો સમય પણ બચે છે અને અકસ્માત પણ ધટે છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરત રેન્જ વડા એડિશનલ ડી.જી.ડો રાજકુમાર પાંડિયનનાં નેશનલ હાઈવે ઉપર ફર્સ્ટ ટ્રેક પર મોટા વાહનોને નહીં ચાલવા દેવાની ઝુંબેશને કારણે અનેક લોકોના જીવ બચ્યા છે. ગત વર્ષથી શરૂ કરેલી ઝુંબેશ બાદ સમગ્ર સુરત રેન્જમાં માર્ગ અકસ્માતની સંખ્યા અને માર્ગ અકસ્માતમાં મોત થવાના બનાવોમાં ઘટાડો થયો છે.

  સુરત રેન્જમાં આઇજી તરીકે ડૉ રાજકુમાર પાંડિયનની નિમણૂંક થયા બાદ તેમણે નેશનલ હાઈવે ઉપર ફર્સ્ટ ટ્રેક પર ચાલતા ભારે વાહનોની સામે કાર્યવાહી શરૂ કરાવી હતી. જે કાર્યવાહીમાં ગત વર્ષે એટલે કે 2020 થી આ કાર્યવાહીને વધુ વેગવાન બનાવી હતી. સુરત રેન્જના તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમન ઉપર પણ રેન્જ વડા ડો રાજકુમાર પાંડિયને ભાર મુકતા તેનું અસરકારક પરિણામ મળ્યું છે.

 છેલ્લા પાંચ વર્ષની સરખામણી કરીએ તો સમગ્ર સુરત રેન્જમાં 2017 માં કુલ 2016 વાહન અકસ્માતના ગુના નોંધાયા હતા. જેમાં કુલ 1151 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. વર્ષ 2018 માં કુલ 2062 અકસ્માતો થયા હતા. જેમાં 1225 લોકોના મોત થયા હતા

. 2019 માં આઈજી તરીકે સુરતમાં ડૉ. રાજકુમાર પાંડિયનનું આગમન થયા બાદ અકસ્માતો ઘટયા હતા. વર્ષ 2019 માં કુલ 1778 અકસ્માતના બનાવો નોંધાયા હતા. જેની સામે 1036 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આંકડો ઘટીને 2020માં 1419 અકસ્માતો થયા હતાં. જેમાં 882 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત ચાલુ વર્ષે એટલે કે 2021માં જૂન 21 સુધી 773 અકસ્માતના બનાવો નોંધાયા છે. જેમાં કુલ 521 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સુરત રેન્જના એડિશનલ ડી.જી ડૉ. રાજકુમાર પાંડિયનની દીર્ઘદ્રષ્ટિના કારણે રોડ પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. તો સાથોસાથ અકસ્માતમાં મોત થવાના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત ગ્રામ્યમાં સૌથી વધુ અકસ્માત મોત થાય છે. સુરત રેન્જમાં સૌથી વધુ અકસ્માતો અને સૌથી વધુ અકસ્માતમાં મોત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થયા છે. જ્યારે સૌથી ઓછા અકસ્માતો ડાંગ જિલ્લામાં થયા છે. વર્ષ 2017 થી 2020 સુધીના 4 વર્ષ દરમિયાન સુરત ગ્રામ્ય વિસ્તારમાં 2568 અકસ્માતો અને 1550 ના મોત થયા છે. ત્યારબાદ વલસાડ જિલ્લામાં પણ અકસ્માતો અને અકસ્માતમાં મોતનો આંકડો ઉંચો રહ્યો છે. વલસાડ જિલ્લામાં 4 વર્ષમાં 2326 અકસ્માતો અને 1290 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. એ જ રીતે નવસારી જિલ્લામાં પણ 4 વર્ષમાં 1325 અકસ્માતો અને 825 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ 3 જિલ્લાઓની સરખામણીએ તાપી અને ડાંગ જિલ્લામાં અકસ્માતો અને મોત ઓછા થયા છે. તાપી જિલ્લામાં 843 અકસ્માતોમાં 514 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 213 અકસ્માતો નોંધાયા છે અને આ અકસ્માતમાં 4 વર્ષમાં 115 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
અકિલા સાથે વાતચીતમાં સુરત રેન્જ પોલીસ વડા એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયન જણાવે છે કે ફસ્ટ ટ્રેક પર ની કાર્યવાહી થી વાહન ચાલકો નો સમય પણ બચે છે અને અકસ્માત પણ ધટે છે

(11:35 am IST)