Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અમદાવાદ : કે.કા શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણને લઈને કોંગ્રેસ કાર્યકર્તાનું ખોખરામાં અનોખું વિરોધ પ્રદર્શન

રાહદારીઓ દ્વારા ભીખ માંગી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ચિલ્લર આપીને તેમના વિરોધનું સમર્થન કરવામાં આવ્યું

અમદાવાદ :શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખોખરા વિસ્તારમાં અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જાહેર રસ્તા પર ભીખ માંગીને સરકારી કોલેજનું ખાનગીકરણ  રોકવા વિરોધ પ્રદર્શન યોજયું હતું જેમાં રાહદારીઓ દ્વારા ભીખ માંગી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ચિલ્લર આપીને તેમના વિરોધનું સમર્થન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ અમદાવાદના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ખોખરા વિસ્તારમાં બનેલી સરકારી કે.કા. શાસ્ત્રી કોલેજ આશીર્વાદ  સમાન છે જેનું ખાનગીકરણ  કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણયને રદ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખો અને ઉગ્ર વિરોધ રાજ્ય સરકાર સમક્ષ પ્રદર્શિત કર્યો હતો.

કે.કા શાસ્ત્રી કોલેજમાં પ્રથમ વર્ષ BA,BCom, BSC, BBA, BCA સહિતના અભ્યાસક્રમોમાં ગ્રાન્ટેડ વર્ગો વધારવા તેમજ વર્ગદીઠ બેઠક વધારવાની પણ માંગ કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવી છે સાથે જ કોરોનાગ્રસ્ત પરિવારના બાળકોને કોલેજમાં અલગ અલગ કોર્ષ માટે પ્રવેશમાં અગ્રતા આપવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસ આગેવાન તેમજ પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે પૂર્વ અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે અને જો આ સરકારી કોલેજનું ખાનગીકરણ કરવામાં આવશે તો મોટાભાગના વાલીઓ તેમના વિદ્યાર્થીઓને પૂર્વ વિસ્તારથી દુરની કોલેજોમાં એડમિશન અપાવશે નહિ જેને કારણે ડ્રોપ આઉટ રેશિયો વધી જશે એ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય સરકારે પૂર્વ અમદાવાદની સરકારી કોલેજ કે.કા શાસ્ત્રી નું ખાનગીકરણ અટકાવવું જોઈએ.

(1:13 pm IST)