Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ફલાઇટ પકડતા પહેલા આરામથી ઊંઘી શકશે મુસાફરો

અમદાવાદ એરપોર્ટ પર હવેથી મુસાફરોને ઊંઘવાની સુવિધાઃ ડોમેસ્ટિક ટર્મિનલ પર સ્લીપિંગ પોડ મૂકવામાં આવ્યા

ખુરશી પર જ લંબાવવાના બદલે આરામદાયક છે અર્બન નેપે મૂકેલા સ્લીપિંગ પોડ

અમદાવાદઃ એરપોર્ટ પર બેસવાની તો સુવિધા હોય છે, જો કે ઊંઘવાની સુવિધા કયાંય હોતી નથી. પરંતુ જો કોઈ તમને કહે કે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોને ઊંઘવા માટે પણ એક સારી સુવિધા મળી રહી છે તો? તમને કદાચ આ વાંચીને નવાઈ લાગશે. પરંતુ આ સત્ય છે. જો તમે પણ તેમાંથી એક છો જેમણે ઓફિસમાં આખી રાત કામ કર્યું છે અને ફલાઈટ પકડવા માટે સીધા એરપોર્ટ જવાનું છે, તો તમને ત્યાં જ આરામ મળી રહેશે. એરપોર્ટ પર હવેથી તમે ખુરશી પર લાંબા થવાના બદલે સ્લીપિંગ પોડનો વિકલ્પ પસંદ કરી શકો છો, જે વધારે આરામદાયક છે.

આ નાના અને સ્વ-સમાવિષ્ટ કેપ્સૂલ, જયાં થાકેલા મુસાફરો ઊંઘી શકે છે અને આરામ કરી શકે છે, તે એરપોર્ટ પર શહેરના સ્ટાર્ટ અપ અર્બન નેપ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે.

'એરપોર્ટ પર સ્લીપિંગ પોડ્સ એક નવો ઉમેરો છે. અત્યારે, તે પરીક્ષણના તબક્કામાં છે. મુસાફરોના પ્રતિસાદના આધારે અમે આવનારા દિવસોમાં વધુ આવા પોડ ઉમેરીશું અને તેને પે એન્ડ સ્લીપના ફેરવી શકીએ છીએ', તેમ SVPI એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ડોમેસ્ટિક ડિપાર્ચર એરીયામાં સિકયુરિટી હોલ્ડ પર પોડ રાખવામાં આવ્યા છે.

આ પોડમાં એક વ્યકિત આરામથી ઊંઘી શકે છે. અંદર લાઈટ અને એર-કંડિશનિંગની પણ સુવિધા છે. જેનાથી વાતાવરણ ઠંડુ રહેતા ઊંઘ પણ સારી આવશે. વ્યકિત અંદર બેસે અને અંદરથી સ્વિચ બંધ કરે એટલે પોડનો દરવાજો બંધ થઈ જાય છે. જેથી, બહારનો અવાજ પણ સંભળાતો નથી.

(12:46 pm IST)