Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજીવ ગાંધી - અમરસિંહ - ગુજરાતના એક ભૂતપૂર્વ ગૃહમંત્રી દ્વારા પોતાની રાજકીય જાસૂસીના આરોપથી ખળભળાટ મચી ગયેલ

પેગાસસ દ્વારા જાસૂસી મુદ્દે વિપક્ષોની સંસદ અને રાજ્ય સભામાં ધમાલ, રાજકીય હંગામાની અતીતની રસપ્રદ યાદો તાજી થઈ ઊઠી : રાજા સાહેબ દ્વારા ચંદ્રાબાબુ નાયડુ સામે આરોપ મુકાયેલ, નવાઈની વાત એ હતી કે ખુદ ચંદ્રાબાબુ દ્વારા પણ પોતાની જાસૂસી થતી હોવાના આરોપ મૂકતા સન્નાટો પ્રસરી ગયેલ : એક આઇપીએસ દ્વારા પણ પોતાને ડીજીપી બનવા ન દેવાયા તે પાછળ એક મોટા ગજાના રાજકીય નેતાના ફોન ટેપ કરવાના ઇનકાર હોવાની બાબતના આરોપ પણ મુકાયા હતાઃ રાજકીય જાસૂસી આરોપોની રસપ્રદ કથા

રાજકોટ તા. ૫, લોકસભા અને રાજ્યસભામાં ટેલિફોનીક જાસૂસી મુદ્દે વિરોધ પક્ષો દ્વારા ભારે ઉહાપોહ મચાવી દેવાયો છે, એડવોકેટ અને પત્રકારો અને ખુદ એડિટસૅ ગિલ્ડ ઓફ ઈન્ડીયા પણ સર્વોચ્ય અદાલત સુધી પહોંચી છે, આજે સુનાવણી પણ છે ત્યારે પેગાસસ જેવા જાસૂસી સાધનો ન હતા તે સમયે અર્થાત્ આવી રાજકીય જાસૂસી અંગે આરોપ લાગતા કે કેમ,? તે બાબતે જાણવાની સ્વાભાવિક ઈચ્છા થાય તો ભૂતકાળમાં આવા પ્રકારના આરોપ કોનાં દ્વારા કરવામાં આવેલ,શું પરિણામ આવેલ તેની રસપ્રદ માહિતીમા ડોકિયું કરીએ.                        

 કર્ણાટક ના એક યુગના સર્વે સર્વા મુખ્ય મંત્રી રામ કૃષ્ણ હેગડે સામે ફોન ટેપિંગ આરોપ લાગેલ,જેમાં રામકૃષ્ણ હેગડેને સહન કરવાનો વારો આવેલ. હાલના પીએમ અને ગૃહમંત્રી માફક તત્કાલીન વડા પ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધી દ્વારા પણ આવા આરોપ હાલના સતાધારી પક્ષ સહિત વિપક્ષો લગાવતા. એ યુગમાં કોમ્યુટર ભલે ન હતા પણ તમામ રાજકારણીઓની કર્મ કુંડલિની ફાઈલો સ્વ. ઇન્દિરા ગાંધી પોતાની પાસે રાખતા. એ સમયે તેમના આ કાર્યમાં તેમના અંગત રહસ્ય સચિવ આર.કે. ધવન ખૂબ મદદરૂપ બનતા.     

એક સમયે સમાજવાદી પક્ષના મહત્વના નેતા અને અમિતાભ બચ્ચનના નાના ભાઈ તરીકે પોતાને પ્રચલિત કરનાર અમરસિંહ દ્વારા પણ પોતાની ટેલિફોન દ્વારા જાસૂસી થતી હોવાના આરોપ લગાવેલ.

 વહીવટમાં પ્રધાનો પાસે અને બાબુઓ પાસે કોમ્પ્યુટર હોવા જોઈએ તેવો આગ્રહ રાખનાર એક સમયના  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા પણ પોતાના ફોન ટેપ થતા હોવાની કાગારોળ મચવેલ.           

એક સમયે મિસ્ટર કલીન તરીકે જાણીતા સ્વ.રાજીવ ગાંધી દ્વારા પણ કોંગ્રેસના ટેકાથી ચાલતી કેન્દ્રની તત્કાલીન વડા પ્રધાન ચંદ્ર શેખર સરકાર સામે આરોપ મુકેલ. જો કે એ બાબત અલગ છે કે. આ જાસૂસી ટેલિફોન દ્વારા નહિ, પરંતુ આઈ.બી.દ્વારા થતી હોવાનો આરોપ મૂકી ટેકો પાછો ખેંચી સરકારને ગબડાવી દીધેલ.જોકે મોટા ભાગના રાજકારણીઓનો એ સમયે આ આરોપ બે બુનિયાદ હોવાનું અને સરકાર પછાડવાના બહાના રૂપ હોવાનું માનતા હતા,સાચું ખોટું ભગવાન જાણે.                             

 ગુજરાતમાં આ પ્રકારના આરોપો ભૂતકાળમાં લાગેલ કે કેમ,?  તે બાબતે બિન સતાવાર રીતે જે તે સમયે મળેલ માહિતી પણ ખૂબ રસપ્રદ છે, કોંગ્રેસમા એ યુગમાં એક મોટા ગજાના રાજકીય નેતા ભળવાના હતા તેવા સમયે તેમને લેવાથી કેવા પ્રત્યાઘત પડશે તે માટે ચોક્કસ નેતાઓના ટેલિફોન અમદાવાદ પોલીસની ચોક્ક્સ બ્રાન્ચ દ્વારા થયાના આરોપ હતા.રામ કૃષ્ણ હેગડેનું પ્રકરણ બહાર આવતા બધું બંધ થયેલ.                                  

એક યુગમાં સેન્ટ્રલ આઇબી નો બહોળો અનુભવ ધરાવતા મૂળ ગુજરાત કેડરના અને બીજેપી સરકાર સાથે ૩૬નો આંક ધરાવતા આ આઇપીએસ દ્વારા પોતાને બઢતી માટેની મળી તે માટે વિપક્ષના એક જોરદાર નેતાના ફોન ટેપ કરવાની બાબત કારણ ભૂત ગણાવેલ. એક સમયે ગુજરાતના ગ્રહમંત્રી રહી ચૂકેલા રાજકારણી દ્વારા પોતાના ફોન ટેપ થતાં હોવાની ફરિયાદ દિલ્હી સુધી  કરેલ, આમ જાસૂસી આરોપ ભૂતકાળમાં પણ થયા જ હતા.

યે સચ હૈ

-જગદીશભાઇ ગણાત્રા

મો.  ૯૮૨૪૫ ૩૭૮૯૦

Email

ganatrajv@gmail.com

(2:36 pm IST)