Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ખેડૂતોને કડાણા અને નર્મદામાથી ૬૫૦૦ ક્યુસેક પાણી ૧૫ દિવસ માટે અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

આણંદ અને ખેડા જિલ્લાના કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ૧ લાખ ૬૦ હજાર હેક્ટર વિસ્તારને લાભ: રાજય સરકારનો વધુ એક કિસાનલક્ષી મહત્વનો નિર્ણય

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી ૩૦૦૦ ક્યુસેક અને નર્મદામાંથી ૩૫૦૦ ક્યુસેક આમ કુલ મળી ૬૫૦૦ ક્યુસેક પાણી સિંચાઇ માટે ૧૫ દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી ૨ દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા ૧ લાખ ૬૦ હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ થશે.

  તેમણે ઉમેર્યુ કે, આણંદ અને ખેડા જિલ્લાના લોકપ્રતિનિધીઓ, સાંસદસભ્યઓ અને ધારાસભ્યઓ દ્વારા મહી જમણા કાંઠાના નહેર યોજનાના કમાન્ડ વિસ્તારોમાં ડાંગરનો ધરૂ અને અન્ય પાકોમાં વરસાદ ખેંચાતા પાણીની જરૂરીયાત ઉભી થતાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મારી સમક્ષ રજુઆત કરાતા આ નિર્ણય કરાયો છે.
  તેમણે ઉમેર્યુ કે, ૧ લાખ ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું ધરૂ અને તેના વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ડાંગરનો પાક હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે અને પાક સુકાઇ રહ્યો છે. જેથી આણંદ અને ખેડા જિલ્લાના લાખો ખેડૂતોને મદદરૂપ થવા માટે સિંચાઇ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી ૩૦૦૦ ( ૩ હજાર) ક્યુસેક અને સિંચાઇ વિભાગની માંગણી ધ્યાને લઇ, સરદાર સરોવર નર્મદા નિગમ લી. (નર્મદા વિભાગ) દ્વારા ૩૫૦૦ ( ૩ હજાર ૫૦૦) ક્યુસેક વધુ પાણી આપી કુલ – ૬૫૦૦ ( કુલ ૬ હજાર ૫૦૦) ક્યુસેક પાણી મહી જમણા કાંઠા સિંચાઇ વિસ્તારમાં આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે. 

 

(8:04 pm IST)