Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અમદાવાદના ચાંદખેડામાં દીકરીની સંભાળ રાખનાર આયાએ મહારાષ્ટ્રમાં દલાલને વેચવાનો પ્લાન ઘડ્યો !

પશ્વિમ બંગાળ પોલીસને ઘટનાની જાણ થતા ગુજરાત પોલીસનો સંપર્ક કરી સમગ્ર હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો

અમદાવાદ :આયા રાખનાર લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ચાંદખેડાના એક દંપતીએ પોતાની 11 મહિનાની દીકરીની સંભાળ રાખનાર આયાએ મહારાષ્ટ્રમાં દલાલને વેચવાનો મોટો પ્લાન કર્યો હતો. જો કે પશ્વિમ બંગાળ પોલીસને ઘટનાની જાણ થતા ગુજરાત પોલીસનો સંપર્ક કરી સમગ્ર હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો હતો. ચાંદખેડા પોલીસે આયાને ઝડપીને બાળકીને બચાવી ગુનો નોંધી સમગ્ર કડીની તપાસ હાથ ધરી છે.

શહેરના પોશ વિસ્તાર ચાંદખેડામાં રહેતા રમેશભાઈ અને તેમની પત્ની રેખા (બંન્નેનું નામ બદલેલ છે)વર્કિંગ કપલ છે. તેમને 11 મહિનાની એક દિકરી છે. જો કે રમેશભાઈ આઈટી કંપનીમાં તથા પત્ની રેખા પણ આઈટી પ્રોફેશનલ છે. જેથી 11 મહિનાની દિકરી સાથે પૂરતો સમય આપી શકતા ન હતા અને ધ્યાન રાખી શકતાં ન હોવાથી દિકરીને ઉછેર કરવા માટે તકલીફ પડતી હતી અને પતિ પત્ની વચ્ચે એક બે વાર આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં રમેશભાઈ અને રેખાએ તેની દિકરીને સાચવવા માટે ઓનલાઈન આયા માટે સર્ચ કરતા હતા. જો કે એક એજન્સી દ્વારા આયાનું કામ કરતી એક બિંદુ નામની આયાનો સંપર્ક કરાવ્યો હતો.

રમેશભાઈ અને રેખાએ આ બિંદુને બાળકીની સંભાળ રાખવા માટેના દર મહિને રૂ.18 હજાર રૂપિયાના પગાર પર રાખી લીધી હતી. બિંદુ 11 મહિનાની દિકરીને સારી રીતે દેખરેખ કરતી હતી. જેથી દંપતી પોત પોતાના કામમાં મસ્ત થઈ ગયા હતા. બિંદુના મનમાં શું ચાલતું હતું તેની ના તો રમેશભાઈને જાણ હતી કે, ના તો રેખાને જાણ હતી.

એક દિવસ રમેશભાઈ તેમની નોકરી પર હાજર હતા ત્યારે એક ફોન આવ્યો હતો અને જાણાવ્યું હતું કે પશ્નિમ બંગાળથી એક પોલીસ ઓફિસ બોલુ છુ તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે ? જેથી રમેશે હા પાડી ત્યારે ઓફીસરે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે.

બિંદુ તમારી દિકરીને વેચવા માગે છે. તેવી જાણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલ રમેશભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને બિંદુની પુછપરછ કરી હતી. જો કે બિંદુ કઈ જવાબ આપવા તૈયાર થઈ ન હતી અને ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બિંદુને ઝડપી પાડી હતી.

બંગાળના દંપતીને શંકા ગઈ હોવાથી બિંદુ ઝડપાઈ

બિંદુને ઝડપ્યા પછી ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, પશ્વિમ બંગાળમાં રહેતી બિંદુ નો સંપર્ક મહારાષ્ટ્રના પ્રશાંત કામલે સાથે થયો હતો. ત્યારે પશ્વિમ બંગાળના દંપતીને પ્રશાંત કામલે જણાવ્યું હતુ કે, બિંદુ નામની મહિલા છે જે ગરીબીના કારણે પોતાનું બાળક દત્તક આપવા માંગે છે. જેથી પશ્વિમ બંગાળના દંપત્તિએ બાળકીના ફોટો માંગ્યા હતા. બિંદુએ બાળકી સાથે ફોટો પાડીને મોકલી પણ આવ્યા હતા. બાદમાં દંપતીએ ફોન પર બિંદુ સાથે વાત કરી ત્યારે બાળકીના જન્મ દિવસ વિશે પુછતા બિંદુએ કોઈ જ જવાબ આપ્યો ન હતો. જેથી પશ્વિમ બંગાળના દંપતીને શંકા ગઈ હતી બાદમાં આ દંપતીએ પશ્વિમ બંગાળ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પશ્વિમ બંગાળ પોલીસે ગુજરાત પોલીસ અને રમેશભાઈને આ અંગેની જાણ કરી હતી. જેથી રમેશભાઈ તેમના ઘરે જઈને બિંદુની પુછપરછ કરી ત્યારે બિંદુ કંઈ બોલી ન હતી અને ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ચાંદખેડા પોલીસનો કાફલો આવી ગયો હોવાથી બિંદુને ઝડપી પાડી હતી. બાદમાં બિંદુના સરસામાનની તપાસ કરતા બિંદુ પાસેથી પશ્વિમ બંગાળની ટિકીટ મળી આવી હતી. જે દિકરીને લઈને પશ્વિમ બંગાળ ભાગી જવાના ફિરાકમાં હતી. જો કે બિંદુ દિકરીને લઈને ભાગે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડી હતી. હાલ આ રેકેટમાં કેટલા લોકો સામેલ છે તે અંગે પણ પુછપરછ હાથધરવામાં આવી છે.

(10:54 pm IST)