Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સરળ-સુદ્રઢ આર્થિક-ઔદ્યોગિક વ્યવસ્થાઓ-સાનુકૂળ વાતાવરણથી ગુજરાત વિશ્વના રોકાણકારો માટે પહેલી પસંદગીનું રાજય : વિજયભાઇ રૂપાણી

વિજયભાઇ રૂપાણી એ દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાયીકોને સંબોધન કર્યુ : USISPFની ત્રીજી વાર્ષિક બેઠક યોજાઇ : રાજયના -સર્વગ્રાહી વિકાસ યાત્રા અને સિદ્ઘિઓની સફળતાની યુ.એસ.ના અગ્રણી ઉદ્યોગકારો વ્યવસાયિકોને માહિતી આપતા વિજયભાઇ

અમદાવાદ,તા.૫ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં વધુ એક ગૌરવ સન્માન ઉમેરાયું છે. યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની (USISPF)ની ત્રીજી વાર્ષિક શિખર પરિષદમાં ભારતના રાજયોમાંથી એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સમિટના વિશેષ પબ્લીક સેશનમાં સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ ફોરમમાં યુ.એસ.એ.ના મોટા ગજાના વેપાર-ઊદ્યોગકારો, પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો તેમજ ભારતના ઊદ્યોગ-વેપાર-વાણિજય ક્ષેત્રના ખ્યાતનામ લોકો સાથે મળીને પરસ્પરના રાજયોમાં વેપાર-ઊદ્યોગ ઉત્પાદન એકમોની ભાગીદારી અંગે સમૂહમાં ચર્ચા-વિચારણા કરતા હોય છે.

ગુજરાતની બે દાયકાની સતત અવિરત સર્વગ્રાહી વિકાસ યાત્રા, ઔદ્યોગિક પ્રગતિ અને મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે મેળવેલી સિદ્ઘિઓથી આકર્ષિત થઇ દેશના રાજયોના મુખ્યમંત્રી પૈકી એકમાત્ર ગુજરાતના વિજયભાઇ રૂપાણીને આ સમિટના વિશેષ પબ્લીક સેશનમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધનનું આમંત્રણ અપાયું હતું.

તા.૩૧મી ઓગસ્ટથી શરૂ થયેલા નેવીગેટિંગ ન્યૂ ચેલેન્જીસ વિષયક આ પાંચ દિવસીય સમિટમાં મુખ્યમંત્રીશ્રીએ ગુરૂવારે મોડી સાંજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રભાવક સંબોધનમાં ગુજરાતમાં રોકાણની તકો-ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત અંગે વિસ્તૃત અને છટાદાર પ્રસ્તુતિ કરી હતી.

કોરોના વૈશ્વિક મહામારી પછીની સ્થિતીમાં વિશ્વમાં વિકાસ અને સમૃદ્ઘિની તકોમાં ઇન્ડીયા-યુ.એસ પાર્ટનરશીપની ભૂમિકા-થીમ સાથે આ સમિટ યોજાઇ રહી છે. પ્રવર્તમાન સ્થિતીમાં ચાયનામાં રોકાણો-ઊદ્યોગોનો જે ભયનો માહૌલ છે તેમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા માંગતા ઊદ્યોગો-રોકાણકારો માટે ભારત વ્યૂહાત્મક રીતે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. આ સંદર્ભમાં વર્તમાન અને ભવિષ્યની સહભાગીતા ડિફેન્સ, એનર્જીથી માંડીને એગ્રીકલ્ચર અને હેલ્થકેર સુધી વિસ્તરી શકે તેવી સંભાવનાઓ અંગે આ સમિટમાં મંથન-ચિંતન થવાનું છે.

આ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત માઇક, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સિથારામન, વાણિજય મંત્રી  પિયુષ ગોયેલ, આઇ.ટી. મંત્રી રવિશંકર પ્રસાદ તેમજ સેના અધ્યક્ષ બિપીન રાવત સહિત ભારતના યુ.એસ. સ્થિત રાજદૂત, યુનાઇટેડ સ્ટેટના સેક્રેટરી ઓફ કોમર્સ, ફાઉન્ડર એન્ડ સી.ઇ.ઓ જે.સી.ટુ વેન્ચર જહોન ચેમ્બર્સ જેવા મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યકત કર્યા હતા.

મુખ્યમંત્રીએ યુ.એસ.ના વેપાર-ઊદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વિકાસ ગાથાની સફળતા વર્ણવતા કહ્યું કે, ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારો તરીકે વિકસ્યા છે. આ ભાગીદારી લોકો આધારિત અને લોકો કેન્દ્રિત છે. લોકશાહીના મૂલ્યો, મજબૂત સાંસ્કૃતિક સંબંધો, અને માનવ સમૃદ્ઘિનો ઉદ્દેશ્ય એ બંન્ને દેશોની સામ્યતા છે.

કોરોનાના આ કપરાકાળમાં ગુજરાતે યુ.એસ.ને હાઇડ્રોકલીકલોરોકવીન દવાઓનો જથ્થો પૂરો પાડીને ગુજરાત-ભારત-યુ.એસ. વચ્ચેના માનવીય સંબંધોમાં સિમાડા-સરહદના બંધનો નડતા નથી તે પૂરવાર કર્યુ છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સેમીકન્ડકટર, ઇલેકટ્રોનિકસ અને ઇ-વાહનો જેવા વિવિધ ક્ષેત્રોમાં યુએસ અને ગુજરાત વચ્ચે ઔપચારીક સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ માટે આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજય સરકાર અમેરિકન કંપનીઓને ગુજરાત સાથે આ ક્ષેત્રે ભાગીદારી અને અન્ય સુવિધાઓમાં સહાયરૂપ થવા વરિષ્ઠ નોડલ અધિકારીની નિમણૂંક કરશે.

તેમણે લાઇફ સાયન્સ, ડિફેન્સ, પેટ્રોકેમિકલ્સ, કલીન એનર્જી અને લોજીસ્ટીકના ક્ષેત્રોમાં યુ.એસ સાથે સહભાગીતાની ગુજરાતની ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીએ ભારતમાં એકિટવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયંટ (એ.પી.આઇ.) ઉત્પાદન માટે ભારતીય કંપનીઓ સાથે જોડાવા ઇચ્છુક યુ.એસ. કંપનીઓના સંદર્ભમાં કહ્યું કે, ભરૂચમાં 'બલ્ક ડ્રગ પાર્ક' અને 'રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ પાર્ક'ના રૂપમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે રાજય સરકાર માળખાગત સુવિધા વિકસાવી રહી છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્રકિનારો મિડલ ઇસ્ટના રાષ્ટ્રો સહિત વિશ્વના દેશો માટે સામૂદ્રિક વેપારનું પ્રવેશ દ્વાર છે તેની છણાવટ કરી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત એકલું દેશના ૪૦ ટકા એકસપોર્ટ કાર્ગોનું વહન કરે છે. એટલું જ નહિ, તાજેતરમાં નીતિ આયોગે જાહેર કરેલા એકસપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષમાં પણ ગુજરાત નંબર વન પર છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના કાળમાં પણ ગુજરાતે તેની વિકાસયાત્રા સતત-અવિરત જાળવી રાખી છે. નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦ જાહેર કરી છે અને તેમાં થ્રસ્ટ એરિયાઝ ફોકસ કર્યો છે. એટલું જ નહિે. ઊદ્યોગોને પ૦ વર્ષના લાંબાગાળા માટે લેન્ડ લીઝ પર આપવી, પ્રાયવેટ પ્લેયર્સને આર એન્ડ ડી ફેસેલીટીઝ માટે પ્રોત્સાહનો આપવા જેવી અનેક નવી બાબતો વિશ્વના રોકાણકારો માટે આકર્ષણ બની છે.

મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારોના હસ્તકલા કારીગરોના ઉત્પાદનો વિશ્વ બજાર સુધી પહોચાડવા તેમજ તેમના ડિઝીટલ એજયુકેશન માટે યુ.એસ. કંપનીઓને ગુજરાત સાથે ભાગીદારી કરવા અનુરોધ કર્યો.

તેમણે સિસ્કો જેવી કંપનીઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના આગામી તબક્કામાં ખાસ કરીને સાયબર ટેકનોલોજી અને ગવર્નન્સના ક્ષેત્રમાં સરકાર સાથે ભાગીદારી માટે આમંત્રણ પણ આપ્યું હતું.

 વિજયભાઇ રૂપાણીએ યુ.એસ. ઊદ્યોગ-વેપાર જગતની તજ્જ્ઞતા એકસપર્ટીઝનો લાભ ગુજરાતમાં સ્કીલ્ડ વર્કફોર્સને મળે તે માટે પ્રેરક આહવાન કર્યુ હતું.

તેમણે આ સંદર્ભમાં નવતર વિચાર આપ્યો કે, ''વિ હેવ ધ રીચ-યુ.એસ કંપનીઝ હેઝ એકસપર્ટીઝ વી આર ઇગર ટુ વર્ક ટુ ગેધર''

આ સમિટમાં ઉપસ્થિત યુ.એસ. સ્થિત ઊદ્યોગ-વેપાર સાહસિકોએ ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ સાથે ઇઝ ઓફ લિવીંગ અને સોશિયલ સેકટરમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓથી તેઓ પ્રભાવિત થયાનો મત વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી, FDI, સ્કીલ્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં રોકાણ અગ્રેસરતાથી આત્મનિર્ભર ભારતમાં ગુજરાત લીડ લેશે તેવી અપેક્ષા પણ આ રોકાણકારોએ દર્શાવી હતી.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમરાની પણ આ વર્ચ્યુએલ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.

(10:12 am IST)