Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેવી સરકારી નોકરીઓ અંગે રૂપાણીએ કરી મોટી જાહેરાત

રૂપાણીનો દાવોઃ આગામી પાંચ મહિનામાં રાજયમાં વીસ હજારથી પણ વધુ લોકોને સરકારી નોકરી અપાશે

નવી દલ્હી, તા.૫: રાજયમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરી મળ્યાનો રૂપાણીનો દાવો

 

તેમાં તાત્કાલિક નિમણૂંક પત્રો આપવા માટે સીએમ વિજય રુપાણીએ આદેશ કર્યો છે. જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરિય બેઠકમાં આ અંગેના આદેશ અપાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભરતી પ્રક્રિયા અટવાઈ જતાં કે પછી જેમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેમાં અપોઈન્ટમેન્ટ લેટર ના મળતા રાજયના હજારો બેરોજગાર યુવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. થોડા સમય પહેલા આ મામલે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન પણ શરુ કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ આઠ હજાર જેટલી જગ્યાઓ પર ભરતીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં સફળતા મેળવનારા યુવાવર્ગને ટૂંક જ સમયમાં અપોઈન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવશે. છેલ્લા ચારેક વર્ષમાં ગુજરાત સરકારમાં મોટાપાયે ભરતી થઈ છે. સરકારનો દાવો છે કે આ સમયગાળામાં સવા લાખ જેટલા લોકોને નોકરી આપવામાં આવી છે.આ ઉપરાંત, કોરોના આવ્યો તે પહેલા અનેક ભરતીઓની જાહેરાતો પણ આવી હતી, પરંતુ તેમાં લોકડાઉન બાદ કોઈ પ્રગતિ નથી થઈ શકી. આ મામલે સીએમે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ આ ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવશે. આગામી પાંચ મહિનામાં રાજયમાં ૨૦ હજારથી વધુ યુવાન-યુવતીઓને સરકારી નોકરીની તક મળશે તેમ પણ તેમણે કહ્યું હતું.

(11:39 am IST)