Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજયની ડિગ્રી એન્જીનિયરીંગ - ડીપ્લોમા - ડિગ્રી ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટેની

ગુજકેટનું પરિણામ જાહેર : ૯૯ પી.આર.થી વધુ ગુણ મેળવતા ૧૦૬૫ છાત્રો

કોરોનાની સ્થિતિમાં ૩ માસ મોડી લેવાયેલ ગુજકેટની પરીક્ષા : હવે ઈજનેરી કોર્ષમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે : ૧૦૬૧૬૪ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

રાજકોટ, તા. ૫ : તાજેતરમાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ગુજરાત કોમન એન્ટ્રન્સટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૦નું પરિણામ આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થયુ છે.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)માં રાજયની ઈજનેરી, ફાર્મસી ઉચ્ચ અભ્યાસ માટે લેવાય છે. આ પરીક્ષા તાજેતરમાં કોવિડ-૧૯ની માર્ગદર્શન મુજબ ત્રણ માસ મોડી યોજાય હતી.

ગુજકેટની પરીક્ષાનું જાહેર થયેલ પરિણામ પર્સન્ટાઈલ રેન્ક મુજબ ૯૯ પીઆરથી વધુ ગુણ મેળવતા છાત્રોની સંખ્યા ૧૦૬૫ છે. જેમાં એ ગ્રુપમાં ૪૧૦ અને બી. ગ્રુપમાં ૬૫૫ છાત્રોએ મેદાન માર્યુ છે.

આજે જાહેર થયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામની સમીક્ષામાં ૯૮ પી.આર.થી વધુ ગુણ એ ગ્રુપમાં ૮૨૩ અને બી ગ્રુપમાં ૧૩૦૨, ૯૬ પીઆરથી વધુ ગુણ મેળવતા એ ગ્રુપના ૧૬૫૭ અને ૨૬૦૪ છાત્રો તેમજ ૯૨ પી.આર.થી વધુ ગુણ મેળવતા એ ગ્રુપના ૩૩૧૬ અને બી ગ્રુપના ૫૨૪૭ છાત્રોનો સમાવેશ થાય છે.

ગુજકેટની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાં એ ગ્રુપમાં ૪૦૯૯૦ અને બી ગ્રુપમાં ૬૪૮૮૮ તેમજ એ - બી ગ્રુપમાં ૨૮૬ છાત્રો મળી કુલ ૧૦૬૧૬૪ છાત્રો કસોટી આપી હતી. જયારે ૨૧૪૬૧ છાત્રોએ પરીક્ષા આપી ન હતી.

ગુજકેટની પરીક્ષાનું જાહેર થયેલ પરિણામ બાદ ટૂંક સમયમાં સરકારનું માર્ગદર્શન લઈને ઈજનેરી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

(11:31 am IST)