Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

૮૦૦૦ને નિમણૂક પત્ર અપાશે, ૨૦૦૦૦ નવી ભરતી કરાશે

સરકારી નોકરી ઇચ્છતા યુવાનો માટે તકના દ્વાર ખોલતી રૂપાણી સરકારઃ પસંદગી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે તેની નિમણૂકની બાકી પ્રક્રિયા ત્વરિત પૂરી કરવા મુખ્યમંત્રીની સૂચના

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૫ : રાજ્ય સરકારે શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારી નોકરીમાં તક આપતી મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પસંદગી પ્રક્રિયા પૂરી થઇ ગઇ હોય તેને ત્વરિત નિમણૂક આપવા ઉપરાંત નવી ૨૦ હજાર ભરતી કરવાનો આદેશ આપ્યો છે. કોરોના કાળમાં સરકારની ખર્ચ કાયમી નીતિ છતાં યુવાનોના હિતમાં સરકારે શિક્ષિત યુવાનો માટે તકના દ્વાર ખોલી ભરતી કરતી સંસ્થાઓને તે અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

CM વિજય રૂપાણી આજે સરકારી ભરતી મામલે સૌથી મોટો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણીએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેમના નિમણૂક પત્રો આપવાની જાહેરાત કરાઈ છે. ૮ હજાર જગ્યાના નિમણૂંક પત્ર આપવા આદેશ કરાયો છે. આગામી ૫ મહિનામાં ૨૦,૦૦૦ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જાહેર થયેલી ભરતીની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. સ્થિતિ સામાન્ય થયા બાદ સરકારી ભરતીની પરીક્ષા લેવાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી મંડળ-પંચાયત સેવા પસંદગી મંડળ-પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ-શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે. રાજયમાં યુવાનોને વ્યાપકપણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે મુખ્યમંત્રીએ યુવા રોજગારલક્ષી અગત્યના નિર્ણયો કર્યો છે. જેમાં તેમણે રાજયમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજાર જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા આદેશ જાહેર કર્યો છે.

ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોવિડ-૧૯ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ હાથ ધરવા મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. આગામી પાંચ મહિનામાં રાજયના ૨૦ હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે.

વિજય રૂપાણીએ આજે રાજયના યુવાનો માટે સરકારી વિભાગોમાં રોજગારીની નવી તકો ખોલતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રાજય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં સવા લાખ યુવાનોને નોકરીની તકો મળી છે.

(11:41 am IST)