Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

લોકડાઉન બાદ અનલોક-૪ની ગાઇડલાઇન મુજબ હવે સોમવારથી ગ્રામ્ય વિસ્તારોના રૂટો ઉપર પણ ઍસ.ટી. બસ દોડશેઃ થર્મલ ગનથી ચેકીંગ કરાશેઃ બસોને સેનેટાઇઝ કરાશે

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે સરકાર દ્વારા ધીમે-ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી અનલોક-4ની ગાઇડલાઇન્સ અનુસાર કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. એવામાં ગુજરાત ST નિગમે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમે ગામડાંઓમાં પણ બસો ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી ગામડાના રૂટો પર પણ એસ.ટી બસો દોડતી થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં સૌથી મોટી અસર એસ.ટી બસોને પડી હતી. પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ થાળે પડતી ગઇ તેમ-તેમ એસ.ટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેની વિવિધ સુવિધાઓ ધીરે-ધીરે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે એસ.ટી નિગમ દ્વારા ગામડામાં રહેતા મુસાફરોને ધ્યાનમાં રાખીને બસો ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીમાં કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ બસ કંડક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કંડક્ટર મુસાફરને થર્મલ ગનથી સ્ક્રિનિંગ બાદ જ બસમાં બેસવા દેવાશે. તમને જણાવી દઇએ કે હાલ સમગ્ર રાજ્યમાં એસ.ટી બસોનું દરરોજની 23,500 ટ્રીપોનું સંચાલન શરૂ છે. પરંતુ હવે ગામડાનું સંચાલન શરૂ થતાં જ આ ટ્રીપો વધીને 32,000 એ પહોંચશે. આમ, ST નિગમ દ્વારા એસ.ટી બસોનું 80થી 85 ટકા જેટલું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં મુસાફરો કોરોના સંક્રમિત ન થાય તે માટે એસ.ટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે હાલમાં એસ.ટી બસો દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ બસોને મુસાફરોના પ્રવાસ બાદ તેને સેનેટાઈઝ કરવામાં આવે છે.

(4:41 pm IST)