Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સોમવારથી અનલોક-4ની ગાઇડલાઇન અનુસાર હવે અમદાવાદમાં મેટ્રો સેવા પુનઃ શરૂ કરાશે

અમદાવાદ: કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડ લાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. જો કે મેટ્રો સમગ્ર ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ છે. તે પણ એક ફેઝ ચાલુ થયો છે. તે પણ નામ માત્રથી ચાલે છે. લોકો ફન ટ્રેનની જેમ આ મેટ્રોની મુસાફરી કરે છે. મેટ્રોનાં મોટા ભાગનાં ફેઝનું કામ હજી પણ અમદાવાદમાં ચાલી રહ્યું છે. જેના કારણે માત્ર વસ્ત્રાલ ખાતેથી જ સંચાલન થાય છે.

મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 7-8 સપ્ટેમ્બરે બપોરે 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન જ મેટ્રો ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ સમય દરમિયાન કોવિડની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ ચકાસણી માટે જ પ્રથમ દિવસે મેટ્રો થોડા સમય માટે ચલાવવામાં આવશે. ત્યાર બાદ 9થી 12 સપ્ટેમ્બર સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી સંચાલન થશે. 13 સપ્ટેમ્બરે નીટ પરીક્ષા સમયે સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.

14મી સપ્ટેમ્બરે અગાઉન અનુસાર સવારે 11થી સાંજે 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જો કે આ સંચાલન દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું સંપુર્ણ અને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. લોકોને માસ્ક ફરજીયાત રીતે પહેરવાનું રહેશે. આ ઉપરાંત સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અનુસાર બેસવા માટેની પણ સ્પેશ્યલ વ્યવસ્થા કરવામાં આવશે.

(4:29 pm IST)