Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સુરતમાં અમરોલી વિસ્‍તારમાં 2 વર્ષની માસુમ બાળા ઉપર દુષ્‍કર્મ આચરનાર નરાધમને પોસ્‍કો કોર્ટ દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન સખ્‍ત કેદની સજા

સુરત: સુરતમાં 2019માં અમરોલી વિસ્તારમાં બે વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોસ્કો કોર્ટે છેલ્લા શ્વાસ સુધી આજીવન સખ્ત કેદ સજા ફટકારી છે. નરાધમ બાળકીને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો. સજા ફટકારતા કોર્ટે જણાવ્યું હતું કે, પોતાના ગુનાનો પ્રશ્ચાતાપ કરે તે જરૂરી છે, સાથે જ સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે જરૂરી છે, જેથી આજીવન સજા ફટકારવામાં આવે છે.

સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ 2019 માં બે વર્ષની માસૂમ બાળકીને તેના જ પાડોશીએ દારૂના નશામાં અપહરણ કર્યું હતું. એક ખેતરમાં બાળાને લઇ ગયા બાદ માસુમ સાથે દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. બાળકીને અર્ધનગ્ન અવસ્થામાં છોડી નાસી છૂટેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. હેવાનિયતના આ બનાવમાં સુરત પોસ્કો કોર્ટે નરાધમને આજીવન કેદની સજા ફટકારી છે. છેલ્લા શ્વાસ સુધી સખ્ત કેદમાં નરાધમ જેલના સળિયા પાછળ રહેશે.

અમરોલી વિસ્તારમાં રહેતા શ્રમિકની તારીખ 11 માર્ચ 2019 ના રોજ કામ પર ગયો હતો. ત્યારે તેની પત્ની બે વર્ષની બાળકીને ઘર આંગણે છોડીને બિલ્ડીંગની સાઈડ પર પતિને  ટિફિન આપવા ગઈ હતી. આ દરમિયાન બાળકી ઘરની બહાર રમતી હતી. તે સમયે પાડોશી શત્રુઘ્ન ઉર્ફે બીજલી યાદવ દારૂના નાશમાં ત્યાં આવ્યો હતો. તેણે બાળકીને ચોકલેટ આપવાના બહાને ત્યાંથી લઈ ગયો હતો. જોકે ચોકલેટ અપાવી નરાધમ બાળકીને નજીકના આવેલ ખેતરમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકી રડવા લાગતા આ નરાધમ ત્યાંથી ભાગી છૂટીયો હતો. ખેતરમાં કામ કરતી એક મહિલાની નજર પડતા તે ત્યાં પહોંચી હતી. બાળકીને લોહીલુહાણ જોઈ પોલીસને જાણકારી આપી હતી. તો બીજી તરફ ગુમ થયેલી આ બાળકીને પરિવાર પણ શોધી રહ્યો હતો. બાળકીને હોસ્પિટલમાં સારવાર અંગે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકી ને 12 ઇજાઓ શરીર પર મળી આવી હતી.

આરોપીએ જે દુકાન પરથી બાળકીને ચોકલેટ અપાવી તે દુકાનદારના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરાઈ હતી. જેના બાદ ગઈકાલે સરકારી વકીલ કિશોર રેવલિયા ધારદાર દલીલોના અંતે આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ છે. સાથે જ તેને પાંચ હજારનો દંડ પણ ફટાકારાયો છે.

સમગ્ર કેસ સુરત જિલ્લાની ખાસ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનને સાંભળી નામદાર જજ પી એસ કાલાએ આરોપી શત્રુઘન ઉર્ફે બિજલીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ નોંધ કરી હતી કે આરોપીએ જે ગુનો કર્યો છે, તેમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારી શકાય તેવી જોગવાઈ છે. પરંતુ આરોપીની ઉંમરને ધ્યાનમાં રાખી તે આજીવન જેલમાં રહે અને પોતાના ગુનાનો પ્રશ્ચાતાપ કરે તે જરૂરી છે, સાથે જ સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી અંતિમ શ્વાસ સુધી જેલમાં રહે તે જરૂરી છે, જેથી આજીવન સજા ફટકારવામાં આવે છે.

(4:29 pm IST)