Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વિધાનસભા સત્રના પ્રારંભ પહેલા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ૩૧૫ કર્મચારીઓના કોરોના ટેસ્ટીંગઃ તમામ ઓફિસો સેનેટાઇઝ કરાઇ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના એક કર્મચારી હાલ કોરોના પોઝિટીવ છે. તેઓ છેલ્લાં 12 દિવસથી રજા પર છે. હાલમાં તેઓ હોમ કવૉરન્ટાઇન છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાનારું છે. જેથી તકેદારીના ભાગરૂપે અધ્યક્ષની સૂચનાથી વિધાનસભાનાં તમામ કર્મચારીઓના છેલ્લાં બે દિવસથી રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. ખુદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. તેમની પ્રેરણાથી તમામ 315 જેટલાં કર્મચારીઓના ટેસ્ટ કરાયા હતાં. જો કે તમામ સ્ટાફનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આ ઉપરાંત તમામ ઓફીસોને સેનેટાઇઝ કરાઇ હતી.

કોવિડ મહામારીના અનુસંધાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શરૂઆતથી જ તકેદારીના પગલાં લીધાં હતાં. વિધાનસભા સંકુલમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રેનીંગ, સેનેટાઇઝ કરવામાં આવે છે. તમામ સ્ટાફના ટેબલ પર સેનેટાઇઝર મૂક્યાં છે. સંકુલના તમામ સ્ટાફ તથા મીટિંગ માટે આવતાં ધારાસભ્યોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે.

સમગ્ર કચેરી બિલ્ડીંગ અવારનવાર સેનેટાઇઝ કરવામાં આવે છે. જેથી વિશેષ યુ.વી. લાઇટથી કચેરી તથા મીટીંગ ખંડોને સેનેટાઇઝ કરવામાં આવે છે. ફાઇલોને પણ યુ.વી. લાઇટથી સ્કેનિંગ કરવામાં આવે છે. અધ્યક્ષ શ્રી દ્રારા અવારનવાર કચેરીઓને સરપ્રાઇઝ મુલાકાત લઇ માસ્ક વગર ફરતા અધિકારી / કર્મચારીઓને દંડ કર્યો છે તથા યોગ્ય રીતે માસ્ક પહેરવા તાકીદ કરી છે.

વિરોધ પક્ષના અધ્યક્ષની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ તા. 4 અને 5મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ, સચિવ સહિત તમામ અધિકારી / કર્મચારીઓ, વિરોધ પક્ષનાં નેતાનું કાર્યાલય, દંડકોના કાર્યાલયો, સફાઇ કામદારો, સંકુલમાં આવેલી કેન્ટીનનો તમામ સ્ટાફ, સલામતિ સ્ટાફ, હોમગાર્ડ સહિત સંકુલમાં હાજર 315 લોકોના કોરોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

વિધાનસભા સંકુલ ખાતે આગોતરા તકેદારીના પગલાંઓના કારણે તમામ લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટીવ આવ્યાં છે. આમ, આગામી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે અધ્યક્ષની દીર્ઘદ્રષ્ટા આયોજનથી વિધાનસભા સંકુલમાં ફરજ બજાવતા તમામ અધિકારી / કર્મચારીઓ કોરોનાના ભયથી મુક્ત થઇ સ્વચ્છતાથી ફરજ બજાવી શકશે.

(4:41 pm IST)