Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગળતેશ્વર તાલુકાના અંધાડીમાં પરિણીતા પર ચારિત્ર્ય અંગે શંકા કરી ધારિયાથી હુમલો કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

ગળતેશ્વર: તાલુકાના અંઘાડીમાં રહેતાં એક પરિવારે ઘરની પરિણીતાના ચારિત્ર પર શંકા-વહેમ રાખી મારઝુડ કરી હતી. તેમજ ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલી પરિણીતાની બે બહેનો ઉપર પણ ધારીયાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પરિણીતીએ તેના પતિ, જેઠ અને સસરાં સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના અંઘાડીમાં આવેલ કસ્બા વિસ્તારમાં રહેતાં સિકંદરખાન ઐયુબખાન મલેકની પુત્રી અંજુમનબીબીના લગ્ન તેમના ઘર નજીકમાં રહેતાં દાઉદખાન યાસીનખાન મલેક સાથે થયાં હતાં. શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જો કે છેલ્લાં કેટલાક સમયથી પતિ દાઉદખાન તેમજ સાસરીયાઓ અંજુમનબીબીના ચારિત્ર્ર્ય પર ખોટો વ્હેમ રાખી તકરાર કરતાં હતાં. ગતરોજ બપોરના સમયે અંજુમનબીબી અગાસી પર કપડાં સુકવવા માટે ગયાં હતાં. તે વખતે તેના સસરાં યાસીનખાન ઈસ્માઈલખાન મલેકે તું શું ઉપર નાચે છે તેવી બૂમ પાડી અંજુમનબીબીને ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતાં. તેમજ નજીકમાં હાજર અંજુમનબીબીના પિતા સિકંદરખાન અયુબખાન મલેક સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. પતિ દાઉદખાન અને જેઠ સદ્દામખાન યાસીનખાન મલેકે ચારિત્ર્ર્ય પર વહેમ રાખી અંજુમનબીબી સાથે બોલાચાલી કરી હતી. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતાં ઉશ્કેરાયેલાં યાસીનખાન મલેક તેમની પુત્રવધૂ અંજુમનબીબીને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. તે વખતે અંજુમનબીબીની બહેનો સમીમબીબી અને સાજેદાબીબી ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડતાં સદ્દામખાન મલેકે તેઓ બંનેને ધારીયાનું પુઠું મારી ઈજા પહોંચાડી હતી.

(5:48 pm IST)