Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

બાલુન્દ્રાના તલાટી સસ્પેન્ડ, સરપંચને નોટિસ અપાઇ

મનરેગામાં ગેરરીતિ આચરનારા પર કાર્યવાહી : પાલનપુરના સલેમપુરામાં જેલના કેદીને મજૂર દર્શાવી તેના નામે રૂપિયા ચુકવનાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે

ગાંધીનગર,તા.૫ : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા અને પાલનપુર તાલુકાના સલેમપુરા તથા કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને સરપંચ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. ડીડીઓએ કહ્યું કે બાલુન્દ્રા ગામમાં મનરેગા ગેરરીતિ અંગેના સમાચાર મળતાં તા.૩/૦૮/૨૦૨૦ના રોજ પોલીસ ફરીયાદ દાખલ કરાઇ હતી એની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું છે કે બે મરણ પામેલ વ્યક્તિઓના નામે તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે. આ કિસ્સામાં જવાબદાર તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સરપંચને પંચાયત અધિનિયમના સેક્શન- ૫૭ હેઠળ હોદ્દા પરથી દૂર કરવાની નોટીસ આપવામાં આવી છે તથા ગ્રામ રોજગાર સેવક અને મેટની કામગીરી કરતાં બે કર્મીઓને છુટા કરી તેમની સેવાઓ સમાપ્તત કરવામાં આવી છે.

                     ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજુર દર્શાવી તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે તેવી બાબત પણ ધ્યાનમાં આવી છે તેની પણ તપાસ કરી કાર્યવાહી કરાશે. ડીડીઓએ જણાવ્યું કે, પાલનપુર તાલુકાના સલેમપુરા અને કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં કોભાંડ અંગે તપાસ કરવામાં કરવામાં આવી રહી છે. સલેમપુરા ગામના ડાભી મહેશભાઇ ચેલાભાઇ જે ૨૦૧૨-૧૩માં આરોપી તરીકે જેલમાં હતાં. તે સમય દરમ્યાન તેમને મજુર દર્શાવી તેમના નામે ચુકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોડાણા તેજમલજી ચેલાજીના મરણ પછી પણ તેમને મજુર દર્શાવી તેમના નામે નાણાં ચુકવાયા છે. જેનું રેકર્ડ કબજે લીધુ છે તથા સલેમપુરા ગામની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. ગેરરીતિ આચરનારાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મજુર કામ માટેની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની જ બને છે એમાં તાલુકા કે જિલ્લાકક્ષાના કોઇ અધિકારી કે કર્મચારી સામેલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મિડીયાને જણાવ્યું હતું.

(8:50 pm IST)