Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

શિક્ષકના કાર્ય સાથે સંસ્કાર સંકળાયેલા છે : મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ભવિષ્યના રોલ મોડેલ બનવા શિક્ષકોને પ્રેરક આહવાન : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપારિતોષિક વિજેતા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને શાલ, સ્મૃતિચિન્હ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા

ગાંધીનગર,તા.૫ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે રાજ્યના ૪૪ શિક્ષકો ગુરૂવર્યોનું તેમની શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી ગાંધીનગરમાં કર્યુ હતું.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાજ્યપારિતોષિક વિજેતા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચન્હ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ શિક્ષકોને સમાજની ભાવિ પેઢીના અને શિક્ષીત-દિક્ષીત સમાજના નિર્માતા તરીકે નવાજતાં કહ્યું કે, આજે જ્યારે સૌ કોઇ પહેલાં પોતાની કેરિયર-કારકીર્દીનો વિચાર કરતા હોય છે ત્યારે શિક્ષક સમુદાય સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કરીને શિક્ષા-દિક્ષાથી સુસજ્જ ભાવિ પેઢીના નિર્માણના નોબેલ પ્રોફેશનની ગરિમા વધારે છે.  ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, વ્યક્તિના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્ત્વની છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા જ્ઞાન-સંપન્ન, સંસ્કારવાન નાગરિકોનું નિર્માણ કરે છે.

              રાષ્ટ્રનું નિર્માણ મહેલો કે ઇમારતો બાંધવાથી નહીં, પરંતુ શાળાના વર્ગખંડમાં અપાતાં માનવતાલક્ષી અને સંસ્કારલક્ષી શિક્ષણથી થાય છે તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, જો શિક્ષક પ્રમાણિકતાથી પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે પુરુષાર્થ કરે તો બાળકના જીવનમાં સો ટકા પરિવર્તન લાવી શકે છે. શિક્ષકના કાર્ય સાથે જ જ્ઞાન સાધના, સંસ્કાર અને સંસ્કૃતિનો વૈભવ સંકળાયેલા છે. રાજ્યપાલએ માતા-પિતા બાદ ગુરુજનોનું સ્થાન કોઈપણ માનવીના જીવનમાં શ્રેષ્ઠ છે, તેમ જણાવી આ ઈશ્વરીય કાર્ય માટે અથાગ પુરૂષાર્થ કરવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ સંદર્ભે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અત્યાધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન સંપન્ન અને કૌશલવાન બને અને મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેનુ ચિંતન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં કરાયું છે. તેમણે શિક્ષકોને જ નવી શિક્ષણ નીતિ ની સફળતાના વાહક ગણાવ્યા હતા અને નવી શિક્ષણનીતિના સફળ અમલીકરણ માટે શિક્ષકોને સજ્જ બનવા અનુરોધ પણ કર્યો હતો.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવિષ્યના ભારતના રોલ મોડેલ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને નૈતિક મૂલ્યો, માનવીય મૂલ્યોના આધારે શિક્ષા દિક્ષા વિકસાવીને રાષ્ટ્રનિર્માણ, વસુધાના કલ્યાણના ગુણો ભાવિ પેઢીમાં કેળવવા શિક્ષકોને પ્રેરણા આપી હતી.

                   મુખ્યમંત્રીએ શિક્ષકો ભાવિ પેઢીને વિશ્વના પડકારો ઝિલવા સક્ષમ બનાવે છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોના ઘડતરનું ઉત્તમ સેવાકાર્ય શિક્ષકોને સમાજમાં ઊચું સ્થાન અપાવે છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યની સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણનું દાયિત્વ કરી રહેલા શિક્ષકો ગરીબ, શ્રમિક, ખેડૂતના બાળકનું સર્વાંગી ઘડતર કરીને તેને શિક્ષા-દિક્ષાના આયુધથી સજ્જ કરે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખાનગી શાળાઓમાં ભણતા-અભ્યાસ કરતા સંપન્ન વર્ગના બાળકોને શિક્ષણ આપવામાં જે સરળતા રહે છે તે આવા શ્રમિક-ગરીબ-ખેડૂતના સરકારી શાળામાં ભણતા બાળકને આપવામાં ન હોવા છતાં સરકારી શાળાના શિક્ષકોએ આ સેવા કાર્યને હોંશભેર ઉપાડી લીધું છે. વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી શાળાઓ ખાનગી શાળાથી બહેતર બની છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હવે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશનની રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. મુખ્યમંત્રીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૪ વર્ષમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, જ્ઞાનકુંજ પ્રોજેકટની સફળતામાં શિક્ષકોના પ્રદાન તેમજ ઓનલાઇન એટેન્ડસ જેવા આયામોથી ડ્રાસ્ટીકચેન્જ શિક્ષણ વ્યવસ્થામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત-નયા ભારતના નિર્માણની નેમ સાથે નવી શિક્ષણ નીતિ જાહેર કરેલી છે ત્યારે એ નીતિનો પ્રથમ અમલ કરવામાં ગુજરાત લીડ લે તે માટે રાજ્યના શિક્ષકોની વિશેષ જવાબદારી છે.

                     મુખ્યમંત્રીએ આ શિક્ષણ નીતિમાં શિક્ષકની સજ્જતાને પણ અહેમિયત આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સમર્થ શિક્ષકોના યોગદાનથી સમર્થ રાષ્ટ્ર-સમર્થ રાજ્ય બનાવવાની આપણી નેમ છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોને બિરદાવીને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપી છે ત્યારે આપણે સૌએ નવી જવાબદારી સાથે આગળ વધવાનું છે. સમાજ પણ આપણને અલગ નજરથી જોઈને આપણી અપેક્ષાઓમાં બદલાવ સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આશા રાખી રહ્યો છે તે આપણે સૂપેરે પરિપૂર્ણ કરવાની છે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાનએ દિલ્હી ખાતેની વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની બેઠકમાં કહ્યું કે, આ નીતિ એ કોઈ પક્ષની નહીં, પણ ભારતની નીતિ છે એટલે જ એને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તરીકે જાહેર કરી છે. નવી શિક્ષણ નીતિના ગઠન માટે ૨.૫ લાખથી વધુ લોકોના અભિપ્રાયો પછી ચાર વર્ષની જહેમત બાદ આ નીતિને એક મહાયજ્ઞ તરીકે જાહેર કરી છે. એમાં આપણે સૌએ સઘન પ્રયાસો કરીને તેને સંપૂર્ણ સમજ સાથે આગળ વધવાનું છે.

(8:51 pm IST)