Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ગુજકેટનું પરિણામ જાહેર : ગ્રુપ Aમાં 410 અને B ગ્રુપમાં 655 વિદ્યાર્થીઓના 99 પર્સેન્ટાઇલ

કુલ 46228 વિદ્યાર્થીઓ અને 32936 વિદ્યાર્થિનીઓ પાસ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 24મી ઓગસ્ટના રોજ લેવાયેલી ગુજકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ. જેમાં A ગ્રુપના 410 વિદ્યાર્થીઓને 99 પર્સન્ટાઇલ આવ્યા છે. જયારે B ગ્રુપના 655 વિદ્યાર્થીઓને 99 પર્સન્ટાઇલ આવ્યા છે.

  આ પરીક્ષામાં 50 પર્સન્ટાઇલથી વધારે માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ સંખ્યા Aગ્રુપમાં 20,909 અને B ગ્રુપમાં 32,732 છે. પાસ થનારા કુલ વિદ્યાર્થીઓમાં 46228 અને વિદ્યાર્થિનીઓમાં 32936નો સમાવેશ થાય છે. આ પરિણામના આધારે આગામી દિવસમાં ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે B ગ્રુપમાં મેડિકલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે નીટ (NEET) લેવામાં આવે છે. તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહેતા હોય છે. મેડિકલ અને પેરા મેડિકલમાં કોઇ જગ્યાએ પ્રવેશ ન મળે તો ફાર્મસીમાં પ્રવેશ મેળવવાની તક ઉભી રહે તે હેતુથી વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોવાનું પણ એક કારણ હોવાનું શિક્ષણવિદ્દોએ જણાવ્યું છે.

રાજયમાં ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં ગુજકેટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. જેના કારણે A ગ્રુપના વિદ્યાર્થીઓ અને B ગ્રુપના વિદ્યાર્થીઓ પણ ગુજકેટ આપતાં હોય છે. 24મી ઓગસ્ટના રોજ લેવામાં આવેલી ગુજકેટમાં 1,27,625 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જે પૈકી 1,06,164 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે 21,461 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા.

આજે સવારે જાહેર કરાયેલા પરિણામમાં 99 પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓમાં Aગ્રુમાં 410 અને Bગ્રુપમાં 655 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. A ગ્રુપમાં 50661 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેની સામે Bગ્રુપમાં 76582 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. B ગ્રુપમાં વિદ્યાર્થીઓ વધારે હોવાથી 99 પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓ સંખ્યા પણ વધારે છે. 50 કે તેથી વધારે પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓમાં A ગ્રુમાં 20909 અને B ગ્રુપમાં 32732 વિદ્યાર્થીઓ છે. આમ, 50 ટકા કરતાં વધારે પર્સન્ટાઇલ મેળવનારા વિદ્યાર્થીઓ ડિગ્રી અને ઇજનેરીમાં સારી કોલેજમાં પ્રવેશ માટે લાયક બની રહેશે તેવુ દેખાઇ રહ્યું છે.

પર્સન્ટાઇલ રેંક મેળવનારા વિદ્યાર્થીઓ

પર્સન્ટાઇલ               A ગ્રુપ            B ગ્રુપ

99થી ઉપર              410                 655
98થી ઉપર               823             1302
96થી ઉપર              1657            2604
92થી ઉપર              3316            5247
90થી ઉપર              4172            6522
85થી ઉપર              6229            9812
80થી ઉપર             8268           13029
75થી ઉપર             10348          16405
70થી ઉપર             12438          19579
65થી ઉપર              14486         23117
50થી ઉપર             20909         32732
40થી ઉપર             24742          39114
30થી ઉપર             29035         46436
20થી ઉપર             33306          52771
00થી ઉપર             41189          65121

કયા ગ્રુપમાં કેટલાએ પરીક્ષા આપી

ગ્રુપ    વિદ્યાર્થી        વિદ્યાર્થિની            કુલ

A        33071           7919           40990
B    29671          35217          64888
AB      194                 92              286
કુલ        62936        43228        106164

(9:44 pm IST)