Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સવાર પડ્‍યે સમસ્‍યા અને સાંજ પડ્‍યે જીત મેળવીએ તો દરરોજ દશેરા

વિજયતાદશમીઃ મલિનતાનું દહન અને શ્રધ્‍ધાનું વહન કરી આત્‍મવિજયનો અવસર

દુર્ગાના નવ સ્‍વરૂપોની આરાધના થકી આત્‍મશકિતના સંચાર સાથે આનંદોત્‍સવ એવી નવરાત્રીનું મીઠું- મધુરૂં સમાપન

આત્‍મૈવ હયાત્‍મનો બન્‍ધુરાત્‍મૈવ રિપુરાત્‍મનઃ
બન્‍ધુપૂત્‍માત્‍માનસ્‍તસ્‍ય યૈનાત્‍મૈવાત્‍મનાજિતઃ&
અનાત્‍મનસ્‍તુ શત્રુત્‍વે વર્તેતાત્‍મૈવ શત્રુવત &&&
સ્‍વયં પરના આત્‍મવિજયની ભવનો ઉદ્ધાર થતો હોય છે. પોતાના આત્‍માનાં અધઃપતન ન થવા દેવા માટે આત્‍મજાગૃતિ આવશ્‍યક છે. માનવી સ્‍વયં પોતાનો મિત્ર કે શત્રુ છે. જે મનુષ્‍યે પોતાની જાતને આત્‍મસંયમની શકિતથી જીતી છે, એ પોતાનો મિત્ર છે, પણ જેણે જાત સામે હાર માની એ પોતાનો શત્રુ છે.
વિજયાદશમી... શ્રધ્‍ધાનું વહન કરી મલિનતાનું દહન કરવાનો અવસર છે. વાસ્‍તવિકતા એ છે કે, દોડભાગભરી જીંદગીમાં દરરોજ સવાર પડે એટલે એક પછી એક સમસ્‍યાઓ આવ્‍યે રાખે છે. સાંજ પડ્‍યે સમસ્‍યાઓ પર જીત મેળવીએ અને પોતાના લોકોને ખુશ રાખી શકીએ તો દરરોજ વિજયાદશમી છે. દુર્ગાના નવ સ્‍વરૂપોની આરાધના થકી આત્‍મશક્‍તિના સંચાર સાથે આનંદોત્‍સવ એવી નવરાત્રીનું મીઠું-મધુરૂં સમાપન થયું છે. સાથે જ દરેક વ્‍યક્‍તિ એવી જ ઈચ્‍છા રાખતી હશે કે જીંદગીમાં મીઠાશ જળવાઈ રહે. પરંતુ, જીવનમાં મીઠાશ જળવાઈ રહે તે માટે મલિનતાનું દહન અને શ્રધ્‍ધાનું વહન દરરોજ, હરપળ કરવું જ પડશે. આ જ વિજયાદશમી એટલે કે દશેરાનો સંદેશો છે.
વિજયાદશમી માનવમનમાં રહેલા વિકાર અને કામ, ક્રોધ, લોભ અને મોહનું દહન કરીને આત્‍મવિજયની પ્રતિષ્‍ઠા સાથે તેની પ્રસ્‍થાપનાનું મહાપર્વ છે. નવરાત્રિના નવ દિવસોમાં દુર્ગાનાં નવ સ્‍વરૂપોની આરાધના અને ઉપાસના કર્યા પછીનાં દસમા દિવસે આવતું ‘વિજયા દશમી'નું પર્વ એ આત્‍મશકિત અને આસુરી તત્ત્વો પરનાં આત્‍મવિજયનું પ્રતીક પર્વ છે. ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્‍યનો જય થાય છે અસત્‍યનો નહીં. દશાનન એટલે દશ માથાવાળા રાવણનો આ દિવસે ભગવાન શ્રીરામચંદ્રે નાશ કર્યો માટે દશેરા. સાત દિવસ અને સાત રાત્રિ સુધી અખંડિત ચાલતું રામ-રાવણનું યુદ્ધ પૂર્ણ થયું. ભગવાન શ્રીરામચંદ્રજીએ આ દિવસે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો માટે ‘વિજયાદશમી'પણ કહેવાય છે. દશેરા એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પર્વ. આ દિવસે દેવતાઓ અને મનુષ્‍ય પર લાંબા સમયથી રાવણ દ્વારા થતો અત્‍યાચાર ભગવાન શ્રીરામચંદ્રજી દ્વારા સદાચારમાં પરિણમ્‍યો. અસત્‍ય પર સત્‍યનો અને એક દૈવીશક્‍તિનો આસુરી શક્‍તિ પર ભવ્‍ય વિજય થયો.
વિજયાદશમી સદ્‌પ્રેરણાનું મહાપ્રેરક પર્વ છે. માનવીની અંદર રહેલા દશ પ્રકારના આસુરી તત્ત્વો જેવાં કે - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સર, આશા, તૃષ્‍ણા, અહંકાર, ઈર્ષ્‍યા. આ દશ આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક પ્રેરણા આ પ્રેરક પર્વ આપણ સર્વેને આપે છે. આપણા મનમાં રહેલા આ દશ આસુરી તત્‍વોને જો આપણે જ ભગવતકૃપાથી નાશ કરીએ તો જીવનમાં ખરા અર્થમાં વિજયાદશમી ઊજવાય. વિજયાદશમીનું આ પ્રેરણાપર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્‍ચે એક નવી જ આશાઓનો સંચાર કરે છે. અન્‍યાય અને અત્‍યાચારનું સામ્રાજય ભલે ગમે તેટલું પ્રસ્‍થાપિત થયું હોય, છતાં પણ એક દિવસ આ દુષ્ટ સામ્રાજય ન્‍યાય અને સદાચારના સાત્ત્વિક શષાો દ્વારા પરાજિત થવાનું જ છે. વિજયાદશમી પર્વ અન્‍યાયના અંતનું પણ પ્રતીક છે. માણસમાં ઊંડે ઊંડે રાવણ જીવી રહ્યો છે. હૃદયમાં રહેલી જે રાવણવૃત્તિ છે તેનો નાશ થાય અને રાવણવૃત્તિ નાશ કરીને જો દશેરા ઊજવવામાં આવે તો જ દશેરા.  દસ ઈન્‍દ્રિયો પર વિજય, અસત્‍ય પર સત્‍યનો વિજય, બહિર્મુખતા પર અંતર્મુખતાનો વિજય, અન્‍યાય પર ન્‍યાયસ દુરાચાર પર સદાચાર, તમોગુણ પર દૈવીગુણનો વિજય, દુષ્‍કર્મ પર સત્‍કર્મનો વિજય, ભોગ પર યોગનો વિજય, અસુરત્‍વ પર દૈવત્‍વનો વિજય અને જીવત્‍વ પર શિવત્‍વના વિજયનું પર્વ છે વિજયાદશમી.

કલાકોમાં કરોડોનું ટર્નઓવર કરતાં ફાફડા-જલેબીનો ઇતિહાસ ૫૦૦ વર્ષ જૂનો છે

‘વિજયા દશમી'નામ પડતાં જ મોટાભાગના ગુજરાતીઓના મગજમાં રાવણ દહન બાદ બીજો કોઇ વિચાર આવતો હશે તો તે ફાફડા - જલેબી જ હશે. જોકે, આ વખતે દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવા હશે તો ૨૦ થી ૨૫ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. આ વખતે ફાફડાની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા ૨૬૦થી રૂપિયા ૫૨૦ જયારે જલેબીની કિંમત પ્રતિ કિગ્રાએ રૂપિયા ૩૮૦થી રૂપિયા ૬૩૦ ચાલી રહી છે.  ભારતમાં જલેબીનો ઇતિહાસ ૫૦૦ વર્ષ જુનો છે. જલેબીનો પોતાનો જ એક ઇતિહાસ છે, જૌલબિયા શબ્‍દ પશ્વિમ એશિયામાંથી આવ્‍યો, જયાં નાની ઇલાયચી અને ખાંડ સાથે બનાવવામાં આવતી હતી. એવુ માનવામાં આવે છે કે મધ્‍ય યુગમાં પર્શિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી ઈન્‍ટ્રોડ્‍યુસ કરવામાં આવી હતી. પારસી શબ્‍દ જૌલબિયા હિન્‍દુસ્‍તાનમાં પ્રવેશતાં જલેબી બની ગયો છે. હેલ્‍થ એક્‍સપર્ટ્‍સ મત અનુસાર,  સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબરનો સમયગાળો એ બે ઋતુ મિક્‍સ થવાનો ગાળો છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતા હોય છે, એટલે લોકોને માઈગ્રેન જેવી સમસ્‍યા રહે છે. ડબલ સિઝનના કારણે શરીરમાં સિરોટોરિન નામનું તત્‍વ ઘટી જાય છે. એટલે માઈગ્રેન થાય છે. પરંતુ ગરમાગરમ જલેબીમાં ટિરામાઈન નામનું તત્‍વ હોય છે, જે શરીરમાં સેરોટોનિન નામના તત્‍વને કાબુમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી. એટલે દશેરામાં જલેબી ખાવામાં આવે છે. નવરાત્રિમાં જો તમે ઉપવાસ કર્યા હોય તો શરીરમાં સુગર લેવલ દ્યટી જાય છે. પરંતુ જલેબી ઈન્‍સટન્‍ટ એનર્જી આપે છે. દૂધ અને જલેબી સાથે ખાવાથી બ્‍લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે. મજા પડે એવો ઈતિહાસ ધરાવતા ફાફડા- જલેબી દશેરાએ અભિન્‍ન અંગ બની ચૂક્‍યાં છે. એટલે જ, એક-બે દિવસ એટલે કે કલાકોમાં જ કરોડોનું ટર્નઓવર ધરાવે છે.

 

સંકલનઃ હેમાંગિની ભાવસાર
અમદાવાદ, મો.૯૯૭૯૨ ૨૮૦૨૯

(10:51 am IST)