Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

દશેરાના પુનિત પર્વે

એસજીવીપી ગુરુકુલમાં અશ્વપૂજન-શસ્ત્રપૂજન યોજાયું.

અમદાવાદ તા.૫   ભારતીય સંસ્કૃતિ અણમોલ છે. આ રાષ્ટ્રમાં અનેક ઉત્સવવો ઉજવાય છે. તેમાંય વસંતપંચમી  દિને અને ગુરુપૂર્ણિમાએ શાસ્ત્ર પૂજા થાય છે. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા અને અશ્વપૂજન તથા શમી પૂજન થાય છે.

        પહેલા હાલના આધુનિક શસ્ત્રો નહોતા ત્યારે ધર્મયુદ્ધોના રણમેદાનમાં વફાદાર જાતવંત પ્રાણીઓમાં હાથી અને ઘોડાઓ હતા. તેમાંય સ્વામીની ચતુરાઇ સમજીને શકે તે માત્ર ઘોડાઓ હતા. ખપી જાય પણ ખસે નહીં. અંતિમ શ્વાસ સુધી શત્રુઓનો મુકાબલો કરતા. તેથી તે અશ્વો પૂજનીય બન્યા છે.

        દશેરા પર્વ ભારતભરમાં ઉજવાય છે. રામચંદ્રજી ભગવાન રાવણને મારીને પુષ્પક વિમાન મારફતે જ્યારે અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ ભગવાન રામચંદ્રજી સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીનું  ભવ્ય સ્વાગત કરેલ ત્યારથી આ દશેરા ઉત્સવ આનંદથી ઉજવાય છે

.આ ઉપરાંત શમી (ખીજડો) પૂજનનો એવો મહિમા છે કે જ્યારે પાંડવો ૧૨ વર્ષ પુરા કરી તેરમા વરસે ગુપ્તવાસ કરતા પહેલા દશેરાના દિવસે  વિરાટનગરની બહાર સ્મશાનમાં પોતાના તમામ ધનુષ્ય, તલવાર, ગદા વગેરે શસ્ત્રો  એક દોરડામાં બાંધી ઘેઘુર શમી (ખીજડા)ના ઝાડ ઉપર રાખી પછી વિરાટ નગરમાં  પ્રવેશ કરે છે. તેરમું વર્ષ પુરું કરી શસ્ત્રો સલામત મળતા દ્રૌપદી સહિત તમામ પાંચેય ભાઇઓ શમી પૂજન કરે છે ત્યારથી આ દિવસ શમી પૂજન તરીકે ઉજવાય છે.

  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી એસજીવીપી ખાતે મારવાડી, રાજસ્થાની અશ્વો વિદ્યાર્થીઓને હોર્સરાઇડીંગ માટે રાખેલ છે. વિજ્યાદશમી-દશેરાની  વહેલી સવારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ  વેદના મંત્રો સાથે અશ્વોને ફુલના હાર પહેરાવી, મસ્તકે કુંમકુમનો ચાંદલો કરી ગોળ ખવરાવી પૂજન કર્યું હતું.                                                                                     

(4:19 pm IST)