Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગાંધીનગરમાં દશેરાના પર્વ નિમિતે જુદી જુદી જગ્યાએથી જલેબી ગઠિયાના સેમ્પલ લેવામાં આવ્યા

ગાંધીનગર :  ગાંધીનગરમાં દશેરાના પર્વ નિમિત્તે ઠેકઠેકાણે ફાફડા-જલેબીના સ્ટોલ લાગી ગયા છે ત્યારે અખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી માટે કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૨૬ સ્થળોએથી ફાફડા-જલેબીના સેમ્પલ લીધા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જયારે અલગ અલગ સ્થળે તેલના નમુના પણ ચકાસવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી. તો બીજી બાજુ તહેવારો પતી ગયા પછી આ રીપોર્ટ આવવાના હોવાથી લોકોએ અખાદ્ય ખોરાક આરોગ્યો હશે તો પણ જવાબદારોને  દંડ પછીથી થશે. નવરાત્રીથી લઈ દિવાળી સુધીના તહેવારો દરમ્યાન ફાફડા-જલેબીની સાથે મીઠાઈનું વેચાણ ખુબ જ વધી જતું હોય છે ત્યારે ગાંધીનગરમાં નાની મોટી પ૦૦થી વધુ ફરસાણની દુકાનો આવેલી છે જયાં મોટી માત્રામાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે હાલ દશેરા પર્વને લઈ ઠેકઠેકાણે ફાફડા-જલેબીની દુકાનો ખુલી ગઈ છે અને માર્ગો ઉપર પણ મંડપો બાંધી વેચાણ થઈ રહયું છે. ઘણી જગ્યાએ કોર્પોરેશન તંત્રની મંજુરી વગર જ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહયું છે ત્યારે ગાંધીનગરમાં નાગરિકોના આરોગ્યને અનુલક્ષીને કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જયાં દુકાનોમાંથી તેલના નમુના લઈને ફુડ શાખાના મશીનમાં ચકાસવામાં આવ્યા હતા. જોકે કોઈપણ સ્થળેથી શંકાસ્પદ તેલ મળી આવ્યું નહોતું. તો બીજી બાજુ ફુડ શાખાએ ગાંધીનગરમાં અલગ અલગ ૨૬ દુકાનોમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લીધા હતા અને તેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. હવે તહેવારો પત્યા પછી આ સેમ્પલનો રીપોર્ટ આવશે અને જે સ્થળોએથી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓ મળી હશે તેના માલિકોને દંડ કરવામાં આવશે. નોંધવું રહેશેે કે તહેવારો દરમ્યાન ફરસાણની દુકાનોમાંથી જે સેમ્પલ લેવામાં આવે છે તેના કરતાં તહેવારો શરૃ કરતાં પહેલા જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓની તપાસ કરી લેવી જોઈએ જેથી તહેવારો દરમ્યાન આ પ્રકારની અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ પણ ના થઈ શકે.

(7:12 pm IST)