Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરા:જાંબુવા બ્રિજ નજીક ટ્રકની હડફેટે બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

વડોદરા: કલર કામ કરીને પરત આવતા શ્રમજીવીની બાઇકને જાંબુવા બ્રિજ  પાસે એક ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,મૂળ પંચમહાલ જિલ્લાના  નાડા ગામમાં રહેતો જશવંત અંદરસીંગ નાડા  હાલમાં દંતેશ્વર તળાવ પાસે રહે છે. અને સુરેશ માધવભાઇ પરમારના કોન્ટ્રાક્ટમાં કલર કામની મજૂરી કરે છે.કરજણ તાલુકાના પુનિયાદ ગામે કલર કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાથી જશવંત નાડા અને સુરેશ  પરમાર બાઇક લઇને કરજણ ગયા હતા.કલર કામ કર્યા પછી સાંજે તેઓ ઘરે પરત આવતા હતા.તે દરમિયાન જાંબુવા બ્રિજ  પાસે એક ટ્રક ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા.જશવંતને હાથ અને મોંઢા પર ઇજા થઇ હતી.જ્યારે સુરેશ પરમારને ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જે કે શ્રીમાળીએ  આ અંગે ગુનો દાખલ કરી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(7:22 pm IST)