Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્રએ રિવોલ્વર વડે ફાયરીંગ કર્યું :વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાને પગલે ભિલોડા પોલીસે ઘટના અંગે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્રએ આવી રીતે રિવોલ્વર વડે ફાયરીંગ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે ભિલોડા પોલીસે ઘટના અંગે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.  

અનેક વાર ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા હથિયાર ઉપયોગ અંગે જાણકારી અંગેની જાગૃતિ પ્રેરવામાં આવતી હોય છે. પરંતુ આમ છતાં કેટલાક હજુ પણ આ જાગૃતિને નજર અંદાજ કરતા હોય છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રએ રિવોલ્વર વડે ફાયરીંગ કર્યુ હતુ. નેતા પુત્ર આરોપી વિરભદ્રસિંહ ચૌહાણે ઘર આગળ ઉભા ઉભા હવામાં ફાયરીંગ કર્યુ હતુ. જે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને પગલે નેતા પુત્રની હરકત સામે પોલીસ પણ હરકતમાં આવી હતી. વિડીયો અંગેની જાણકારી મેળવીને ઘટના અંગે ભિલોડા પોલીસ મથકે આરોપી વિરભદ્રસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો હતો.

આઇપીસી 336 અને આર્મ એક્ટ કલમ 30 મુજબ ભિલોડા પોલીસે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વિનોદભાઈ ખાતરાભાઈએ સરકાર તરફે ફરિયાદી તરીકે રજૂ થઈને ગુનો નોંધાવ્યો હતો. અરવલ્લી એસપી સંજય ખરાતે ઘટના અંગેની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ જીકે વહુનીયાને સોંપી છે.

  ફરીયાદ મુજબ નોંધવામાં આવેલી હકીકત મુજબ, આરોપી વિરભદ્રસિંહ લાલસિંહ ચૌહાણે પોતાની લાયસન્સ વાળી રીવોલ્વરથી ફાયરીંગ કર્યુ હતુ. ભિલોડા તાલુકામાં આવેલ મલાસા ગામમાં પોતાના ઘર આગળ પોતાની અને અન્ય લોકોનુ જીવન જોખમાય એ રીતે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કરીને ગુન્હો આચર્યો હતો. તપાસ કર્તા ટીમ દ્વારા હવે લાયસન્સ કયા હેતુ સંદર્ભમાં મેળવવામાં આવ્યુ હતુ, એ અંગેની માહિતી મેળવવામાં આવશે. તેમજ હથિયાર અને લાયસન્સ બંને પોલીસ પોતાના કબ્જામાં મેળવવા અને આરોપી વિરભદ્રસિંહની અટકાયત કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

(10:33 pm IST)