Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામે મુસ્લિમ મહિલાઓને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન : મહિલાઓના અસ્તિત્વને જ નકારી દીધો

ઇમામ શબ્બીર અહેમદે મુસ્લિમોને ધર્મના કહ્યું છે કે 'ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી તે ધર્મના વિરૂદ્ધ' : સિદ્દીકીએ ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવાને ઈસ્લામને કમજોર પાડવાનું ષડયંત્ર ગણાવ્યું

અમદાવાદ : અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામે મુસ્લિમ મહિલાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શાહી ઇમામ શબ્બીર અહેમદે ધર્મની અજ્ઞાનતા દર્શાવતું નિવેદન આપીને મહિલાઓના અસ્તિત્વને જ નકારી દીધો છે. ઇમામ શબ્બીર અહેમદે મુસ્લિમોને કહ્યું છે કે, ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવી તે ધર્મના વિરૂદ્ધ છે. તે ઉપરાંત ઇમામે તેમની પુરૂષપ્રધાન વિચારધારાને થોપતા કહ્યું કે, શું આપણા સમાજમાં પુરૂષોની કોઈ કમી છે?

આ નિવેદન એવું છે, જે માત્ર ચૂંટણી પુરૂતું સીમિત નથી. તેમનો આ નિવેદન મહિલાઓની સ્વતંત્રતા ઉપર તરાપ ગણી શકાય છે. શાહી ઇમામે પોતાના નિવેદન પરથી પોતાની ધાર્મિક અજ્ઞાનતા પણ પ્રગટ કરી છે, અહેમદ સિદ્દીકીએ કહ્યું- જ્યારે ઇસ્લામની વાત આવે છે, તો હું કહેવા માંગુ છું કે અત્યારે લોકો અહીં (મસ્જિદ) નમાઝ અદા કરી રહ્યા છે, પરંતુ તમને ત્યાં એક પણ સ્ત્રી નજરે પડી હશે નહીં. ઇસ્લામમાં નમાઝનું મહત્વ સૌથી વધુ છે. ઇસ્લામમાં મહિલાઓ માટે આ રીતે લોકોની સામે આવવું યોગ્ય હોત તો તેમને મસ્જિદમાં પ્રતિબંધિત કેમ કરવામાં આવી?

શાહી ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “મહિલાઓને મસ્જિદમાંથી શા માટે પ્રતિબંધિત કરવામાં આવી? કારણ કે ઇસ્લામમાં મહિલાઓનું એક અલગ સ્થાન છે. તેથી જે પણ પાર્ટી મહિલાઓને ટિકિટ આપે છે, તેઓ ઇસ્લામ વિરુદ્ધ બળવો કરી રહી છે. તેમનું આ કૃત્ય ઇસ્લામ વિરુદ્ધ છે. શું ત્યાં પુરૂષો નથી કે તમે સ્ત્રીઓને લાવી રહ્યા છો. તેનાથી આપણો ધર્મ નબળો પડશે.”

સિદ્દીકીએ ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપવાને ઈસ્લામને કમજોર પાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે. લો બોલો..! હવે તે અંગે તથ્ય દર્શાવવાનું કહેશો તો કદાચ શાહી ઈમામ આપી શકશે નહીં. વિશ્વની મહિલાઓ ચાંદ અને મંગળ સુધી પહોંચીને દુનિયાને રસ્તો બતાવી રહી છે પરંતુ મુસ્લિમ મહિલાને ટિકિટ આપવાથી ઈસ્લામ કમજોર થઇ જઇ રહ્યું છે! આ તે કેવું કહેવાય!!

પ્રશ્ન તો તે પણ ઉદ્દભવી રહ્યો છે કે, મહિલાઓને ટિકિટ આપવાથી ઇસ્લામ કેવી રીતે કમજોર થઇ જઇ રહ્યો છે? કદાચ બાંગ્લાદેશમાં ઈસ્લામનું કંઇક અલગ રૂપ હોઇ શકે છે કેમ કે, ત્યાં એક મુસ્લિમ મહિલા આખા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. બાંગ્લાદેશમાં શેખ હસીના વર્તમાનના પીએમ છે, તો તેઓ શું ઈસ્લામને કમજોર કરી રહ્યાં છે. તે ઉપરાંત શાહી ઇમામે હિઝાબને બચાવવા માટે મહિલાઓની સ્વતંત્રતા છીનવવાની વાત પણ કરી છે. તેમની સંકૂચિત દ્રષ્ટિ અનુસાર, મહિલાઓ સાર્વજનિક સેવાઓ અને સરકારી સેવાઓમાં જશે તો ઇસ્લામ હિઝાબને બચાવી શકશે નહીં.

ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં હિજાબ પહેરવાને લઇને આંદોલન થયો પરંતુ મુસ્લિમ દેશ ઇરાકમાં હિઝાબને ત્યજવાને લઇને આંદોલનો થઇ રહ્યાં છે. ઈરાકમાં હિઝાબને છોડવાના આંદોલનમાં અત્યાર સુધી અનેક મહિલાઓએ કુરબાની આપી દીધી છે. કેમ કે તેઓ સ્વતંત્ર રીતે જીવવા માંગે છે.

જામા મસ્જિદની દેખરેખ કરનારી સંસ્થા અમદાવાદ સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી છે અને આ કમેટી દ્વારા જ મૌલાનાઓને શાહી ઇમામ જેવી પદવી અપાય છે. પ્રશ્ન તે ઉભો થાય છે કે, શું આવી રીતના નિવેદનથી મુસ્લિમ વક્ફ કમિટી પણ સંમત છે, જો તે સહમત નથી તો શું તેઓ ઇમામ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરશે ખરી? શું અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ શાહી ઇમામના નિવેદનને ટેકો આપી રહ્યાં છે કે તેમના વિરૂદ્ધ છે?

(5:27 am IST)