Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કોંગ્રેસનાં ગુમ ધારાસભ્‍ય કાંતી ખરાડી મળી આવ્‍યાઃ હુમલો થતા ભાગી ગયાનો આક્ષેપ

કોંગ્રેસનાં ધારાસભ્‍ય ગુમ થતા રાહુલ ગાંધીએ પણ ટ્‍વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા

બનાસકાંઠા, તા.૫: ગુજરાત ચૂંટણીનો આજે મહત્ત્વનો દિવસ છે. આજે ઉત્તર અને મધ્‍ય ગુજરાતની ૯૩ બેઠકો પર મતદાન થવા જઇ રહ્યું છે. ત્‍યારે રાતથી જ બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ઉમેદવાર કાંતી ખરાડી મોડી રાતથી ગુમ થઇ ગયા હતા. જોકે, તેઓ જાતે જ પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા હતા અને પોતાની ઉપર હુમલો થયો હોવાનો દાવો કરી રહ્યા છે.

કાંતિ ખરાડીના ગુમ થવા મામલે રાજકારણ ગરમાયુ હતુ. ત્‍યારે બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ઉમેદવાર કાંતી ખરાડીને પોલીસે સાંઢુસી ગામ પાસેથી શોધી કાઢયા છે. હુમલો થવાના કારણે બચવા માટે જંગલમાં સંતાઈ ગયા હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે. તો સાથે જ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો પણ કાંતી ખરાડીનો આક્ષેપ છે. આપને જણાવી દઈએ કે, હુમલાની ફરિયાદ મળ્‍યાના ૪ કલાકમાં પોલીસ કાંતી ખરાડી સુધી પહોંચી ગઈ હતી. તો બીજી બાજુ સમગ્ર ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પણ ટ્‍વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કાંતિ ખરાડીએ આ અંગે એક વીડિયો જાહેર કરીને જણાવ્‍યુ છે કે, ‘હું ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઇ રહ્યો હતો તે સમયે ૨૫ જેટલી ગાડીઓએ આગળ પાછળ આવીને ટક્કર મારી ધોકા તલવાર લઇને ટોળું આવ્‍યું હતુ. જેથી હું મારો જીવ બચાવવા ખેતરમાં ઉતરી ગયો હતો. હું કાયદાથી ચાલવાવાળો માણસ છું એટલે હાલ પોલીસ સ્‍ટેશન આવ્‍યો છું.'

બનાસકાંઠા જિલ્લાના થરાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર મતદાન પહેલા હુમલો થયો છે. શિવનગરમાં કોંગ્રેસ ઉમેદવાર પર મોડી રાત્રે બે વાગ્‍યા આસપાસ આ હુમલો થયો હોવાનુ સામે આવ્‍યુ છે. ભાજપ ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈએ આ હુમલો કર્યાનો આરોપ છે.

(10:17 am IST)