Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આજે અઢળક લગ્ન-રિસેપ્‍શનો : ફૂલોના ભાવો ચાર ગણા ઉંચા

રૂા. ૧૫ થી ૨૦ના કિલો મળતા હજારી ગલનો ભાવ રૂા.૮૦ને પાર : કાશ્‍મીરી ગુલાબનો ભાવ એક કિલોના રૂા. ૩૫૦થી વધુ બોલાયા, લગ્ન અને ચૂંટણીની ધમાલ એક સાથે

અમદાવાદ,તા. ૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને લગ્ની સીઝનના લીધે ફુલોના હાર અને છૂટ્ટા ફુલોની માગમાં મોટો ઉછાળો આવ્‍યો છે. લગ્નની સીઝન અને વિધાનસભાની ચૂંટણીમાં ગલગોટા ફુલની માંગ વધુ રહે છે. જેના લીધે ગલગોટા ફુલના ભાવોમાં ચાર ગણો વધારો થયો છે. સોમવારે એક જ દિવસમાં શહેરમાં ઠેર ઠેર લગ્ન, રિસેપ્‍શનો તથા વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન છે. લગ્નમાં છૂટા ફુલ અને ફુલના હારની વધુ માગ રહી હતી. શહેરમાં રૂ.૨૦ ગલગોટાનો હાર રૂ.૫૦માં મળી રહ્યો છે.જયારે ગુલાબના ફુલો અને ગલગોટાની વધુ માંગ હોવાનો વેપારીઓ જણાવી રહ્યા છે સાથો સાથ લગ્નમાં ગાડીઓ અને હોલ શણગારવા માટે ફેન્‍સી ફુલની માંગ અત્‍યારે વધુ છે.એમાંય વિદેશી ફુલના ભાવો પણ ચાર ગણા વધી ગયા છે.

નવેમ્‍બર અને ડિસેમ્‍બર માસમાં લગ્નની સીઝનને લીધે ફુલોના ભાવ સતત વધી રહ્યા છે. જોકે આ વખતે ફુલોની માંગ સૌથી વધુ હોવાના કારણે તેના ભાવ પર પણ અસર પડી રહી છે. ગુલાબના ફુલની સુગંધ સૌથી મોંઘી થઈ છે, જેમાં બસો ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ફુલોના વ્‍યવસાય સાથે સંકળાયેલ વેપારીએ જણાવ્‍યું હતું કે, ગુલાબના ફુલો અને ગલગોટાની માંગ વધુ વધુ છે.

લગ્ની સીઝનમાં વિદેશી ફુલો અને ફેન્‍સી ફુલોની આ વખતે સૌથી વધુ માંગ રહી છે. આ ઉપરાંત ગુલાબ, લીલી અને હજારી ગલના ફુલોની માંગ વધુ જોવા મળી હતી.ફુલ બજારમાં કાશ્‍મીરી ગુલાબનો એક કિલોનો ભાવ રૂા.૩૫૦ થી ૪૦૦ બોલાયો હતો. જે સામાન્‍ય દિવસોમાં એક કિલોનો ભાવ રૂ.૮૦ની આસપાસ હતો. લીલીની એક ઝૂડીનો ભાવ રૂ.૪૦ એ પહોંચ્‍યો છે. જયારે સામાન્‍ય દિવસોમાં રૂ.૧૫ થી ૨૦ એક કિલો મળતાં હજારી ગલના ફુલોનો ભાવ અત્‍યારે રૂ.૮૦ને પાર કરી ગયો છે અને વિધાનસભા ચૂંટણીના પરિણામ સમયે પણ ફુલોના ભાવ ઉંચકાઈ શકવાની શક્‍યતાઓ વેપારીઓ જોઈ રહ્યા છે.

(10:38 am IST)