Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વોટ આપી ‘દાદા' લોકો સાથે ચા પીવા રોકાઈ ગયા

શીલજની એક સ્‍કૂલમાં મતદાન કરીને બહાર આવેલા ભૂપેન્‍દ્રભાઇ પટેલે ચાની કિટલી પર કાર્યકરો સાથે કરી ચાય પે ચર્ચા : ૨૦૧૭માં ઘાટલોડિયામાં રેકોર્ડબ્રેક માર્જિનથી જીતેલા ભૂપેન્‍દ્રભાઇ પટેલ આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડશે? સીએમના મતવિસ્‍તારમાં વોટિંગ ઓછું ના થાય તે માટે સવારથી જ ઢોલ-નગારા વગાડી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઈ રહી છે

અમદાવાદ, તા.૫: ગુજરાતમાં આજે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પીએમ નરેન્‍દ્રભાઇ મોદીએ પણ આજે રાણીપની સ્‍કૂલમાં પોતાનો મત આપ્‍યો હતો. જ્‍યારે સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલ શીલજની એક સ્‍કૂલમાં બનેલા મતદાન કેન્‍દ્રમાં વોટ આપવા માટે પહોંચ્‍યા હતા. સીએમ વોટ આપવા ગયા ત્‍યારે ઢોલ-નગારા સાથે તેમના ટેકેદારોએ તેમને આવકાર્યા હતા. સામાન્‍ય વ્‍યક્‍તિની જેમ લાઈનમાં ઉભા રહી સીએમે પોતાનો વોટ આપ્‍યો હતો અને બહાર આવીને કાર્યકરો તેમજ લોકો સાથે ચાની ચુસ્‍કી પણ લીધી હતી.

દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્‍દ્ર પટેલ આમ પણ પોતાના સરળ સ્‍વભાવ માટે જાણીતા છે. અગાઉ પણ તેઓ ઘણીવાર હાઈવે પર આવેલી હોટેલ કે પછી ઢાબા પર સામાન્‍ય વ્‍યક્‍તિની માફક ચા પીવા રોકાયા છે. આજે વોટ આપીને તેઓ બહાર આવ્‍યા ત્‍યારે તેમણે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું હોવાનું જણાવ્‍યું હતું તેમજ દાંતાના કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપોને ફગાવી ગુજરાતમાં આવું કશુંય કયારેય નથી થયું તેવો દાવો કર્યો હતો. ભૂપેન્‍દ્રભાઇ પટેલ પાટીદારોનો ગઢ મનાતી તેમજ ભાજપની સૌથી સલામત સીટ એવી ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

૨૦૧૭માં ભૂપેન્‍દ્રભાઇ પટેલ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડ્‍યા હતા, અને તેમાં તેઓ સૌથી મોટા માર્જિન સાથે વિજયી થયા હતા. આ બેઠક આમ તો આનંદીબેન પટેલની બેઠક હતી, જે તેમણે ૨૦૧૭માં ખાલી કરી હતી. ઘાટલોડિયા બેઠક પર ગત વખતના માર્જિનને તોડવા માટે આ વખતે ભાજપ ખાસ્‍સી મહેનત કરી રહ્યો છે. ભૂપેન્‍દ્રભાઇ પટેલ સામે કોંગ્રેસે પોતાના રાજ્‍યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. વોટિંગ વધારે થાય તે માટે ઘાટલોડિયા મત વિસ્‍તારમાં સવારથી જ સોસાયટીઓમાં ઢોલ વગાડીને લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

(1:44 pm IST)