Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બીજા ચરણના મતદાન સાથે રાજકીય રોમાંચ વધ્‍યો : પરિણામની પ્રતિક્ષા

રાજનીતિ કે યોધ્‍ધાઓ કી બડી કસરત હો રહી હૈ, ચુનાવ કે દિન હૈ, ગરીબો કી બડી સેવા હો રહી હૈ : ભાજપનો પુનવરાર્તનનો દાવો : કોંગ્રેસને પરિવર્તનનો વિશ્વાસ : ‘આપ' ચમત્‍કારની આશામાં : ગુરૂવારે ગુજરાતનું ભાવિ સ્‍પષ્‍ટ થશે

રાજકોટ તા. ૫ : ગુજરાત વિધાનસભાની ૮૯ બેઠકોનું મતદાન તા. ૧ ડિસેમ્‍બરે પૂર્ણ થા બાદ આજે સવારે ૮ વાગ્‍યાથી ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો માટે મતદાનનો પ્રારંભ થયો છે. પ્રારંભે ઉત્‍સાહવર્ધક વાતાવરણ જણાય છે. આજનું મતદાન ગુજરાતનું રાજકીય ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક છે. કયો પક્ષ સરકાર રચશે ? તે તરફ સમગ્ર દેશની મીટ છે. ગુરૂવારે સવારથી મત ગણતરી છે. તે પૂર્વે બીજા ચરણના મતદાન સાથે રાજકીય રોમાંચમાં વધારો થયો છે. ચૂંટણીના મેદાનમાં દેખાતા મુખ્‍ય ત્રણેય પક્ષોએ સરકાર રચવાનો દાવો કર્યો છે.

આજે ૯૩ બેઠકોમાટે સવારે ૮ થી ૫ વાગ્‍યા સુધી મતદાન યોજાયેલ છે. પ્રથમ ચરણમાં ૬૩ ટકા મતદાન થયેલ. આજે મતદાનની ટકાવારી વધારવા રાજકીય પક્ષોએ પ્રયાસો વધાર્યા છે. ૯૩ બેઠકો માટે ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે. બીજા ચરણમાં સૌથી વધુ ૨૯ ઉમેદવારો અમદાવાદના બાપુનગર મતક્ષેત્રમાં અને સૌથી ઓછા ૩ ઉમેદવારો સાબરકાંઠાના ઇડર મતક્ષેત્રમાં છે. કુલ ૨,૫૧,૫૮,૭૩૦ મતદારો મતદાન કરવા પાત્ર છે. જેમાં ૯૯ વર્ષથી વધુ ઉંમરના ૫૪૧૨ મતદારોનો સમાવેશ થાય છે. ૨૬૪૦૯ મતદાન મથકો છે.

૧૯૯૫થી સતત ૬ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતી રહી છે. આ વખતે ૭મી વખત ભાજપ સરકાર રચવાની તૈયારીમાં છે. કોંગ્રેસને ૨૦૧૭માં બહુમતીથી થોડું દુર રહી ગયેલ. આ વખતે કોંગ્રેસ રાજ્‍યમાં પરિવર્તન સાથે સરકાર રચવાનો દાવો કરે છે. ત્રીજા બળ તરીકે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જંગમાં ઝુકાવેલ. આ પાર્ટી ચમત્‍કાર સર્જીને સરકાર રચવા આશાવાદી છે. આ ત્રણેય મુખ્‍ય સ્‍પર્ધક ગણાતી પાર્ટીઓ ઉપરાંત ૫૮ પાર્ટીઓ અને સંખ્‍યાબંધ અપક્ષો મેદાનમાં છે.

ગુજરાતના મતદારો વિકાસનો મુદ્દો સ્‍વીકારી શાસન પુનરાવર્તન કરે છે કે વિપક્ષોના સરકાર વિરોધી મુદ્દાને આવકારી પરિવર્તન કરે છે ? તે તો પરિણામ વખતે જ ખબર પડશે. કોને કેટલી બેઠકો મળશે ? તે અત્‍યારે અનુમાનનો વિષય છે. પરિણામનો દિવસ ૮ ડિસેમ્‍બર નજીક આવતો જાય છે તેમ ઉમેદવારો, કાર્યકરો અને રાજકીય રસિકોની ઉત્‍કંઠા વધતી જાય છે.

(11:34 am IST)