Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સુરત પીઆઇ અતુલ સોનારા દંપતિ મુકબધિર યુવતીના માતાપિતા બની કન્‍યાદાન પણ કર્યુ

સીપી અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતાની રાહબરી હેઠળ રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચના પૂર્વઅધિકારનું અનુકરણીય કાર્ય પર ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી આફ્રિન : એ ગરીબ યુવતીના લગ્ન ધામેધુમે કરવા માટે ચૂંટણી બાદનો સમય નકકી કરેલ, મારે કોઇ પુત્રી ન હોવાથી મે અને મારા પત્‍નીએ માતાપિતા બનવાનું નકકી કર્યુઃ‘અકિલા' સાથે પીઆઇ અતુલ સોનારા રસપ્રદ કિસ્‍સો વર્ણવ્‍યો

રાજકોટ તા.૫: પોલીસ તંત્રનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં તેમના પ્રત્‍યે કોઇ જુદા પ્રકારની છાપ હોય છે, પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ સમયાંતરે માનવી અભિગમ અને જે બાબત જાણી પોલીસને સેલ્‍યુટ કરવાનું મન થાય તેવા કાર્ય થતા હોય છે, એમાંય જો તેમના ઉપરી અધિકારીઓ માનવીય અભિગમ અને પ્રજાલક્ષી અભિગમ ધરાવતા હોય તો તેમના પોઝિટિવ વલણની ઊર્જા અન્‍ય અધિકારીઓના પ્રસરતી હોય છે, એમાંય સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર લોકો અને લોકોના પ્રશ્નો ઉકેલ જેમની મુખ્‍ય પ્રાયોરિટી છે અને ગુનેગારો સાથે કડકાઇ સાથે સારા લોકોની કદર જેમની કાર્ય શૈલી છે અને તેમાંય તેમને ડીસીપી તરીકે તેમના જેવા જ સ્‍વભાવના હર્ષદ મહેતાનો સાથ મળતા જ સુરત શહેરમાં માનવીય કાર્યોની જાણે સ્‍પર્ધા ચાલતી હોય તેમ અન્‍ય અધિકારીઓ પણ આજ રસ્‍તા પર આગળ ચાલી રહયા છે, તેવા સમયે ભુતકાળમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચ અને એસ.ઓ.જી.માં ફરજ બજાવી ગયેલ અને હાલ સુરતમાં રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ અતુલ સીનારા દ્વારા કાબિલેદાદ કામગીરી થયેલ છે.

એક મુકબધિર યુવતીના લગ્ન અને એક મુકબધિર યુવાન સ્‍નેહની ગાંઠે બંધાયા અને બંને લગ્ન કરવા ઇચ્‍છતા હતા. યુવતીનું નામ સુમન જયારે યુવાનનું નામ ચિરાગ

આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલા પાડવા માટે અસમર્થ મુકબધિર યુગલના સપ્તપદીના ફેરા ફરવાનું સ્‍વપ્‍ન અંતે રાંદેર પોલીસ દ્વારા પુરૂ કરવામાં આવ્‍યુ છે. અભ્‍યાસ દરમ્‍યાા એકબીજાના સંપર્કમાં આવેલા મુકબધિર યુવક-યુવતીઓ છેલ્‍લા ઘણા સમયથી લગ્નગ્રંથિથી જોડાવવા ઇચ્‍છતા હતા. જોકે, તેઓની આર્થિક સ્‍થિતિ આ સ્‍વપ્‍ન પુરૂ કરવામાં અવરોધક સાબિત થતા યુવતી દ્વારા એસએચઇ ટીમનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. જેના ભાગરૂપે આજે રાંદેર પોલીસ દ્વારા આ યુગલના ભવાનીશંકર મહાદેવ મંદિરમાં ધામધૂમથી વિવાહ કરાવવામાં આવ્‍યા હતા.

પાલનપુર પાટિયા ખાતે રહેતી ૧૯ વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા ૨૨ વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુકબધિર શાળામાં થઇ હતી. પહેલી મુલાકાત બાદ આ બન્ને પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં પડયા હતા અને આજીવન સાથે રહેવાનો કોલ કર્યો હતો. જોકે, પરિવારજનોની મરજી સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માટે તૈયાર આ બન્‍ને યુગલની આર્થિક સ્‍થિતિ ન હોવાને કારણે છેલ્‍લા ઘણા સમયથી લગ્નના અરમાનો પુરા થઇ રહયા ન હતા. આ દરમ્‍યાન સુમન દ્વારા સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરવામાં એક વિશેષ શાખા સી ટીમનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. જયાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવતા મહિલા પોલીસ મમતાબેન દ્વારા રાંદેર પીઆઇ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. એક તરફ ચૂંટણીની દોડાદોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પુરા કરવા માટે રાંદેર પોલીસ પણ કોઇ કચાસ બાકી રાખવા માંગતી ન હતી. અલબત, ચૂંટણી પુરી થતા જ વાજતે-ગાજતે આ બન્ને યુગલને  પ્રભુતામાં પગલા પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે તાપી નદીના કાંઠે આવેલા ભવાનીશંકર મહાદેવ મંદિરમાં બન્ને પરિવારના ૧૫૦ જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સમ્‍પન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલા આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્‍ય જોઇને ભાવવિભોર બન્‍યા હતા.

(12:05 pm IST)