Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બંને હાથ નહીં છતાંય મત આપવા પહોંચ્‍યા મનજીભાઈઃ પગ પર લગાવાયું શાહીનું નિશાન

ગાંધીનગર સેક્‍ટર ૨૦માં રહેતા ચંદ્રિકાબેન કેન્‍સર હોવા છતાંય આજે પોતાના પતિ સાથે મત આપવા માટે પહોંચ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૫: લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી. ગુજરાતમાં આજે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારથી જ લોકોમાં મતદાન માટે ખાસ્‍સો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે, ત્‍યારે નવા વાડજના એક પોલિંગ બૂથ પર પોતાની પત્‍ની સાથે વોટ આપવા પહોંચેલા મનજીભાઈ રામાણીને જોઈ લોકો પણ તેમના ઉત્‍સાહની વાતો કરવા લાગ્‍યા હતા. મનજીભાઈ અને તેમના પત્‍ની બંને દિવ્‍યાંગ છે. મનજીભાઈને બંને હાથ નથી, જ્‍યારે તેમના પત્‍નીને પગમાં વિકલાંગતા છે. વોટિંગ શરુ થયું ત્‍યારે પતિ-પત્‍ની પોતાનું ટુ-વ્‍હીલર લઈ વોટ આપવા પહોંચ્‍યા હતા.

ચૂંટણી પંચના નિયમ અનુસાર, મત આપનારા વ્‍યક્‍તિને ડાબા હાથની પહેલી આંગળીમાં શાહીનું નિશાન લગાવાય છે. જોકે, મનજીભાઈને બંને હાથ ના હોવાથી તેમણે અધિકારી સમક્ષ પોતાનો પગ ટેબલ પર મુકયો હતો, અને તેમના ડાબા પગની પહેલી આંગળી પર શાહીનું નિશાન લગાવાયું હતું. વર્ષોથી ચૂકયા વિના મતદાન કરતા મનજીભાઈ આ વખતે પણ પોતાનો વોટ આપીને હરખાયા હતા, અને પતિ-પત્‍ની બંનેએ લોકોને પણ મત આપવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં નિરસ મતદાન રહ્યું હતું ત્‍યારે મનજીભાઈ જેવા વ્‍યક્‍તિ વોટ કરવા ઉત્‍સાહ બતાવી બીજા લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

ચૂંટણીમાં સામાન્‍ય રીતે શહેરી વિસ્‍તારોમાં નિરસ મતદાન જોવા મળતું હોય છે. ઘણા લોકો તો મતદાનના દિવસને જાણે રજા જ ગણતા હોય છે. જોકે, લોકશાહી મજબૂત કરવા માટે એક-એક મત કેટલો મહત્‍વનો છે તે કદાચ મનજીભાઈ જેવા મતદાર સમજાવી જાય છે. આજે સવારથી શરુ થયેલી મતદાનની -ક્રિયામાં અનેક પોલિંગ બૂથ પર યંગસ્‍ટર્સની સાથે સિનિયસ સિટીઝન્‍સ પણ મત આપવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ઘણા વળદ્ધ વ્‍યક્‍તિઓ તો પોતાની મદદ માટે ઘરના સભ્‍યને પણ સાથે લાવીને મત આપતા નજરે પડ્‍યા હતા.

ગાંધીનગર સેક્‍ટર ૨૦માં રહેતા ચંદ્રિકાબેન કેન્‍સર હોવા છતાંય આજે પોતાના પતિ સાથે મત આપવા માટે પહોંચ્‍યા હતા. ૬૯ વર્ષના ચંદ્રિકાબેન હાલ કિમોથેરાપી લઈ રહ્યા હોવાથી તેમનામાં અશક્‍તિ આવી ગઈ હોવા છતાં પણ તેમણે મતદાન માટે અનેરો ઉત્‍સાહ બતાવ્‍યો હતો, અને મત આપ્‍યા બાદ શાહી લગાડેલી પોતાની આંગળી ગર્વભેર મિડીયાકર્મીઓને બતાવી હતી.

(4:10 pm IST)