Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગુજરાતની ચૂંટણી સામાન્ય નથી, આવતા ૨૦ વર્ષનું ભવિષ્ય થશે નક્કી

વિરમગામમાં હાર્દિક પટેલે કર્યુ મતદાન : મત આપવા લોકોને કરી અપીલ : આમ આદમી પાર્ટી ૧ સીટ પણ જીતી નહિ શકે : બીજેપીનો ૧૫૦ સીટ પર ભવ્ય વિજય થશે

અમદાવાદ તા. ૫ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઘણા દિગ્ગજોએ મતદાન કર્યું. વિરમગામથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે રાજયમાં ભાજપને ૧૫૦ સીટો મળશે. તેમણે કહ્યું કે રાજયમાં ત્રિકોણીય હરીફાઈ નથી. પોતાની જીત અંગે તેમણે એમ પણ કહ્યું કે તમારા ઉમેદવારને પણ કોઈ જાણતું નથી, તે કયાંથી જીતશે. ગુજરાતની ચૂંટણીની લડાઈમાંથી ખ્ખ્ભ્ને બહાર ગણાવતા તેમણે દાવો કર્યો કે ખ્ખ્ભ્ માટે એક પણ બેઠક મોટી વાત છે.

હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળાના મતદાન મથક ૨૬૪ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન બાદ વાતચીત કરતા પટેલે જણાવ્યું હતું કે રાજયમાં સરકાર બન્યા બાદ સુરક્ષા અને સુશાસનના મોડલને વધુ મજબૂત કરવામાં આવશે.

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાતની જનતા વિકાસને મત આપશે. દેશ અને દુનિયામાં સુરક્ષા અને સુશાસનનું મોડલ ઉભરી આવ્યું છે. આવનારા દિવસોમાં આ મોડલ વધુ મજબૂત બનશે. પીએમ મોદી કહે છે કે આ ચૂંટણી સામાન્ય નથી.

આ ચૂંટણીઓ આગામી ૨૦ વર્ષમાં ગુજરાતનું ભાવિ નક્કી કરશે તેવું ભારપૂર્વક જણાવતા ભાજપના ઉમેદવારે કહ્યું કે લોકો તેમની પાર્ટીની તરફેણમાં મતદાન કરી રહ્યા છે. તેમણે કહ્યું, 'આ ચૂંટણી ગુજરાતનું આગામી ૨૦ વર્ષનું ભવિષ્ય નક્કી કરશે. દરેક મત ભાજપની તરફેણમાં જઈ રહ્યો છે. અમે ૧૫૦ બેઠકો અને મોટા માર્જિન સાથે સરકાર બનાવીશું. લોકોને ભાજપ પર વિશ્વાસ છે.'

હાર્દિક પટેલે કહ્યું કે લોકોને ખબર પણ નથી કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ છે. પોતાની તરફ ઈશારો કરીને કહ્યું કે લોકો વિરમગામમાં એક જ ઉમેદવારનું નામ જાણે છે, તે ભાજપમાં છે. આમ આદમી પાર્ટીને લડાઈમાંથી બહાર ગણાવતા હાર્દિકે કહ્યું કે જો ખ્ખ્ભ્ને એક સીટ મળે તો પણ મોટી વાત છે. હું જીતી રહ્યો છું. વિરમગામને જિલ્લો બનાવવા તેઓ પહેલ કરશે તેમ જણાવ્યું હતું. અમે અહીં વિકાસ કરીશું અને જે વિસ્તારોમાં પાણી નથી ત્યાં પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવશે.

આ પહેલા હાર્દિકે લોકોને વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેમની પાર્ટીએ રાજયના વિકાસ માટે કામ કર્યું છે. પટેલે કહ્યું, 'હું દરેકને વોટ કરવાની અપીલ કરૃં છું. ભાજપે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે અને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે. હું ઈચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. આપણે મતદાન કરવાની શકિતનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ચૂંટણી લોકશાહીની સુંદરતા છે.'

(4:31 pm IST)