Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

નરેન્‍દ્રભાઇ મોદીના શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં મતદાન કર્યુઃ નાની બાળા આરાધ્‍યાએ હીરાના ચરણ સ્‍પર્શ કરતા અનોખુ દ્રશ્‍ય સર્જાયુ

આરાધ્‍યાના પિતાએ જણાવ્‍યું કે, અમારો પરિવાર ઘણા સમયથી હીરાબાના દર્શન કરવા ઉત્‍સુક હતો

ગાંધીનગરઃ 100 વર્ષની વય ધરાવતા નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં મતદાન કર્યુ હતુ. એક નાની બાળા આરાધ્‍યાએ હીરાબાના ચરણ સ્‍પર્શ કરી આશિર્વાદ મેળવ્‍યા હતા. તેમનો પરિવાર હીરાબાના દર્શન કરવા ઉત્‍સુક હતો.

ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હીરાબાએ શતાયુ ઉંમરે બુથ પર જઈને મતદાન કરીને અનોખું ઉદારણ પૂરુ પાડ્યું. ત્યારે રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે, ત્યારે આ આરાધ્યા કોણ છે તે જાણીએ.

મહેસાણાનો એક પરિવાર સવારથી રાયસણમાં મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જોવા મળે તે માટે રાહ જોઈ રહ્યો હતો. 

આ વિશે આરાધ્યાના પિતાએ કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી હીરાબાના દર્શન કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આખરે તેઓ આજે તેમના પરિવાર અને દીકરી સાથે જ્યારે હીરાબા મતદાન કરવા માટે રાયસન પ્રાથમિક શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું લાંબા સમયનું સાકાર થયું અને તેમણે હીરાબાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. 100 વર્ષની ઉંમરે પણ જો હીરાબા મતદાન કરવા આવતા હોય તો સૌ કોઈએ મતદાન કરવા આવવું જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી.

લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. આ દરમિયાન સામાન્ય લોકોની જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાબરમતી વિધાનસભા બેઠક માટે મતદાન કર્યુ હતું. તો 100 વર્ષની ઉંમર ધરાવતા પીએમ મોદીના માતા હીરા બાએ ગાંધીનગરના રાયસણ પહોંચીને મતાધિકારનો પ્રયોગ કર્યો. માતા-પુત્રએ મતદાન કરીને એ વાતનો સંદેશ આપ્યો કે લોકશાહી માટે મતદાન કેટલું જરૂરી છે.

(5:36 pm IST)