Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાજપની વોટબેંક મધ્‍યમ વર્ગને જ જંત્રીના દર બમણાં કરવાથી મહત્તમ બોજો પડશે

નાગરિકો અને બિલ્‍ડર વર્ગની નારાજગીના કારણે બેથી ત્રણ મહિના પછી નવી જંત્રીના અમલની શકયતા : આ નિર્ણયથી શું સમસ્‍યાઓ સર્જાશે તેનો અભ્‍યાસ સરકારમાં થયો હશે કે કેમ તેની ચર્ચા : મધ્‍યમ વર્ગથી લઇને બિલ્‍ડર વર્ગ સરકારના આ નિર્ણયથી પરેશાન

અમદાવાદ,તા. ૬ : રાજય સરકારે રાતોરાત જંત્રીના દર બમણા કરી નાખતા તેના ભારે પ્રતિભાવ શરૂ થયા છે. મધ્‍યમ વર્ગથી લઇને બિલ્‍ડર વર્ગ પણ સરકારના આ નિર્ણયથી પરેશાન છે. સૌથી વધુ અસર મધ્‍યમ વર્ગને ઘર ખરીદવાથી લઇને દસ્‍તાવેજ કરવા સુધીની પ્રક્રિયામાં ખર્ચમાં એકાએક વધારો થવાથી સર્જાઇ શકે છે. ભાજપ દ્વારા નીચલા મધ્‍યમ વર્ગને એફોર્ડેબલ હાઉસિંગ પુરા પાડવાના અભિયાનને પણ ધક્‍કો પહોંચી શકે છે.

અમદાવાદ સહિતના મહાનગરોની આસપાસ છેલ્લા કેટલાક સમયથી એફોર્ડેબલ હાઉસિંગની જે સ્‍કીમ બની રહી હતી તેના ભાવમાં જંત્રીના દર બે ગણા કરી દેવાતા મધ્‍યમ વર્ગના ઘરના ઘરના સ્‍વપ્‍નમાં અવરોધ ઉભો થવા પામ્‍યો છે. જે નાગરિકોએ ઘર ખરીદવા બજેટ માંડ માંડ તૈયાર કર્યું હતું તેમાં જંત્રી વધારો થતા જે લોકો તેને પહોંચી વળે તેમ નહીં હોય તેને ઘર ખરીદવાનું માંડી વાળવું પડશે. જમીન ખરીદવાનું મોંઘુ થતા બિલ્‍ડરો આગામી સમયમાં ઘરની કિંમત વધારી દેશે. તે સાથે દસ્‍તાવેજ કરવાનો ખર્ચ બેવડાઇ જતા મધ્‍યમ વર્ગ માટે ઘર ખરીદવું વધુ મુશ્‍કેલ થશે. હાલના દર એડહોક છે અને આગામી સમયમાં સર્વે પછી નવી જંત્રી અમલમાં આવશે તેમ સરકારી સુત્રો કહી શકયા છે. પરંતુ હાલ જંત્રીના દરમાં એકસમાન બમણો વધારો કરાતા કેટલાક વિસ્‍તારમાં ઘરની કિંમતમાં કૃત્રિમ વધારાનો બોજ પણ મધ્‍યમ વર્ગ ઉપર આવશે. તેમાંથી કેવી રીતે નાગરિકોને સરળતા અપાવવી તેનો કોઇ ખુલાસો સરકાર પક્ષ તરફથી થયો નથી.

સરકારના મોવડીઓએ આ નિર્ણય જાહેર કરતા પહેલા કયાં વર્ગને શું અસર થશે અને કેવી સમસ્‍યા સર્જાશે તેનો અભ્‍યાસ કર્યો હશે કે કેમ તેને લઇને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થવા પામી છે. ભાજપ સરકારની સૌથી મોટી વોટ બેંક ગણાતો મધ્‍યમ વર્ગ જ આ પગલામાંથી પ્રભાવિત થવાનો છે તે સ્‍પષ્‍ટ છે. તે સંજોગોમાં જે નાગરિકોએ ઘર ખરીદવાનો સોદો કરી લીધો છે કે બિલ્‍ડરો દ્વારા વેચાણની કિંમત અપાઇ ગઇ છે ત્‍યારે સરકાર નવા જંત્રીના અમલમાં નિર્ણય બે થી ત્રણ મહિના બાદ કરે તેવી શકયતા પણ ઉભી થવા પામી છે.

(11:06 am IST)