Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

૩૫થી વધુ પૂર્વ ધારાસભ્‍યો આવાસ ખાલી કરતા નથી

પદ જતુ રહ્યુ છતાં સરકારી કવાર્ટર છોડવા ગમતા નથી : અમૂક પૂર્વ મંત્રીઓ પાસે હજુ બંગલાનો કબજો : સરકાર દ્વારા કાર્યવાહી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૬ : ડિસેમ્‍બર-૨૨માં રાજ્‍યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ. આ ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્‍યો ખૂબ જ આનંદમાં આવી ગયા. પૂર્વ ધારાસભ્‍યોમાં કેટલાકને ટીકીટ પુનઃ નથી મળી તો કેટલાકને મળી તે હારી ગયા.

જે પૂર્વ ધારાસભ્‍યો હારી ગયા અને જે ચૂંટણી નથી લડયા તેવા લોકોને સેકટર ૨૧ ખાતે આવેલ ધારાસભ્‍યોના નિવાસસ્‍થાનમાં કવાર્ટર ફાળવવામાં આવ્‍યા હતા. હવે પરિસ્‍થિતિ એવી નિર્માણ થઇ છે કે આ પૂર્વ ધારાસભ્‍યો પોતાના નિવાસસ્‍થાન ખાલી કરતા નથી. પરિણામે નવા ચૂંટાયેલા સભ્‍યોને આજની તારીખે કવાટર્સ મળ્‍યા નથી. પૂર્વ સભ્‍યોની વહીવટી નોટીસ પણ પાઠવવામાં આવી છે.

બીજી તરફ કેટલાક પૂર્વ મંત્રીઓએ પોતાનો બંગલો ખાલી કર્યો નથી. આ તમામ પૂર્વ મંત્રીઓને બંગલો ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે. આમ માર્ગ અને મકાન વિભાગ માટે આ પ્રશ્ન ખૂબ જ જટીલ બનવા પામ્‍યો છે.

બીજી અગત્‍યની વાત એ છે કે આ પૂર્વ ધારાસભ્‍યો પોતાના કવાર્ટસ પરત નથી કરતા ત્‍યારે નવા ચૂંટાયેલા સભ્‍યોને કવાર્ટસ ફાળવવામાં આવતા નથી. બીજી તરફ વિશ્રામગૃહ અને પથિકાશ્રમ બિલ્‍ડીંગના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે.

આ પરિસ્‍થિતિના કારણે સર્કિટ હાઉસમાં ધસારો વધી ગયો છે. આ ધસારો વધતા નિયમિત રીતે અન્‍ય જિલ્લાઓમાંથી સચિવાલયમાં સરકારી કામ અર્થે આવતા અધિકારીઓને મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

અંદાજે આ સરકારી કવાર્ટસ ખાલી નહિ કરનારાની સંખ્‍યા અંદાજે ૩૫ કરતા વધારે છે. શકય છે આગામી સપ્‍તાહમાં આ સભ્‍યોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની ફરજ પડે તેવી પૂરતી શક્‍યતાઓ છે.

(5:06 pm IST)