Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રહેણાંક, ફલેટ, દુકાનની જંત્રીમાં ૨૦%નો જ વધારો કરો

ક્રેડાઈ ગુજરાત દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને રજૂઆત

જંત્રીમાં ૫૦%ના વધારાથી જીએસટી, સ્‍ટેમ્‍પ ડયુટી, કેપીટલ ગેઈન ટેક્ષ વિ.માં ધરખમ વધારાનો બોજ સામાન્‍ય પ્રજા ઉપર પડે છે

રાજકોટ : રાજય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરી દેવામાં આવતા ક્રેડાઈ ગુજરાત દ્વારા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે મુખ્‍યમંત્રી શ્રી દ્વારા પણ હકારાત્‍મક અભિગમ અપનાવવામાં આવ્‍યો હતો.

ક્રેડાઈ ગુજરાત દ્વારા રજૂઆતમાં જણાવાયુ હતું કે, ગુજરાત સરકારશ્રી દ્વારા તાત્‍કાલીક અસરથી જંત્રીમાં અસહ્ય ભાવવધારો કરવામાં આવેલ છે. જેને અનુલક્ષી અમારા નીચે જણાવેલ સુચનો ધ્‍યાને લેવા વિનંતી છે.

તાત્‍કાલીક અસરથી અમલી બનાવવામાં આવેલ જંત્રીનો અમલ અમારી નીચે જણાવેલ મુદ્દાઓને ધ્‍યાને લઈ ગુજરાત સ્‍થાપના દિવસ એટલે કે ૧ મે ૨૦૨૩ થી કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. સી.જી.ડી.સી.આર. મુજબ પેઈડ એફ.એસ.આઈ.માં જંત્રીના ૪૦%ના બદલે નવી જંત્રીના ૨૦% કરી આપવામાં આવે. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રિમીયમના દર જંત્રીના ૪૦%ના બદલે નવી જંત્રીના ૨૦% કરી આપવામાં આવે.

કોઈપણ વિસ્‍તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લા ૩ વર્ષના વેચાણ વ્‍યવહારોને વેલ્‍યુ ઝોનવાઈઝ વહેંચીને દરેક વેલ્‍યુ ઝોનની બજાર કિંમત કાઢીને તે બજાર કિંમતને જંત્રી વેલ્‍યુ તરીકે આખરી કરવી જોઈએ. આથી એડહોક ૧૦૦%નો વધારો ન કરી સાયન્‍ટીફીક રીતે જંત્રી કરી આપવા વિનંતી છે.રહેણાંક ફલેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફકત ૨૦%નો જ વધારો કરવામાં વિનંતી છે.  ૨૦૧૧માં એફ.એસ.આઈ. ૧.૮/૨.૨૫ સુધીની હતી. ૨૦૨૩માં એફ.એસ.આઈ. ૨.૭/૪/૫.૪ સુધીની મળવાપાત્ર છે. જેથી મકાનોની કિંમતમાં કોઈ ખાસ વધારો થયેલ નથી. તેથી રહેણાંક ફલેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફકત ૨૦%નો જ વધારો કરવા વિનંતી છે.

આમ જોતા જો જંત્રીમાં વધારો થાય તો જી.એસ.ટી., સ્‍ટેમ્‍પ ડયુટી, કેપીટલ ગેઈન ટેક્ષ વિગેરેમાં ધરખમ વધારો સામાન્‍ય પ્રજા ઉપર પડે છે. હાલમાં સરકારશ્રી દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલ ૧૦૦% વધારો થતા માર્કેટ વેલ્‍યુ કરતા પણ વધારે જંત્રી થઈ જાય છે. જેના દાખલાઓ આ સાથે સામેલ કરેલ છે.

એફોર્ડેબલ હાઉસીંગના કિસ્‍સામાં જયારે યુનિટનો પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્‍સામાં ૧% સ્‍ટેમ્‍પ ડયુટી ઘટાડી આપવા વિનંતી છે.

હાલના એવા પ્રકરણો કે જેના વ્‍યવહારો પૂર્ણતાના આરે છે અથવા તો અધૂરા છે એવા કિસ્‍સામાં સામાન્‍ય માણસ ઉપર આકસ્‍મિક વધારો બોજા સમાન બની રહેશે. ઘણા કિસ્‍સાઓમાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્‍ટેમ્‍પ ડયુટી, જી.એસ.ટી. વગેરે સાથે ગણી ચોક્કસ રકમથી વેચાણ કરેલ હોય છે એવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્‍ચે વિવાદ થઈ શકે છે. આથી આ પ્રકારના વ્‍યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પુરતો સમય મળી રહે તેવા હેતુને ધ્‍યાને રાખી નવી જંત્રીનો અમલ તા.૧ મે ૨૦૨૩થી કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે.

તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાથે સર્વશ્રી અજય પટેલ (ચેરમેન - ક્રેડાઈ ગુજરાત), હેમંત પટેલ (પ્રેસીડેન્‍ટ - ક્રેડાઈ ગુજરાત), નીલમ દોશી (માનદ મંત્રી - ક્રેડાઈ ગુજરાત) તેમજ રાજકોટમાંથી પરેશ ગજેરા, સુજીત ઉદાણી અને રણધીરસિંહ જાડેજા તેમજ ગુજરાતભરમાંથી ૧૭ થી વધુ બિલ્‍ડરો જોડાયા હતા

(4:14 pm IST)