Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગાંધીનગરના રોડ નંબર 6 પર ડિવાઇડરને અથડાઈ કાર પલ્ટી ખાતા યુવાનનું કમકમાટીભર્યું મોત

 

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે વહેલી સવારે પેથાપુરથી કારમાં ગાંધીનગર આવી રહેલા પાંચ મિત્રોને અકસ્માત નડયો હતો અને રોડ નંબર છ ઉપર તેમની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી જેમાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે બે મિત્રોને ઈજાઓ પહોંચી હતી. આ મામલે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગરમાં ખુલ્લા અને પહોળા માર્ગોને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે ત્યારે આજે વહેલી સવારે રોડ નંબર ૬ ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં પેથાપુરના યુવાનનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુરમાં આવેલી સ્વર્ગ સ્વપ્ન વસાહતમાં રહેતા સંયમ રમેશભાઈ દેસાઈ તેનો મિત્ર કૃણાલસિંહ ઇન્દ્રસિંહ વાઘેલા તેમજ કૃણાલસિંહના માસીનો દીકરો સંગ્રામસિંહ, જીલ દેસાઈ અને તીર્થરાજસિંહ સિસોદિયા ગઈકાલે રાત્રે ભેગા થયા હતા અને આજે સવારે ગાંધીનગરમાં દોડવા જવાનું નક્કી કર્યું હતું. જેથી સવારના સમયે સંયમ તેની કાર લઈને આવ્યો હતો. જેમાં સંગ્રામસિંહ તેની બાજુમાં બેઠો હતો જ્યારે જીલ, તીર્થરાજ અને કૃણાલસિંહ કારની પાછળ બેઠા હતા. વહેલી સવારે ગાંધીનગરની સમર્પણ કોલેજ થઈ તેઓ રોડ નંબર છ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સેક્ટર ૨૮ ૨૯ ના કટ પાસે  સંયમે કાર ઉપરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સંગ્રામસિંહનું મોત થયું હતું. હાલ તો અકસ્માતની આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસે કૃણાલસિંહની ફરિયાદના આધારે ચાલક સંયમ દેસાઈ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(6:38 pm IST)