Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કલોલમાં કેમિકલ કંપનીએ ઝેરી ગેસ છોડતા ત્રણ વિદ્યાર્થીની બેભાન થતા પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો

 

કલોલ :  કલોલમાં આવેલ એક કંપની દ્વારા ઝેરી ગેસ છોડવાને કારણે ગુરુકુળની ત્રણ વિદ્યાથનીઓ બેભાન થઈ ગઈ હતી. જેને કારણે ત્રણેયને સારવાર આપવામાં આવી હતી. આ કંપની દ્વારા અવારનવાર છોડવામાં આવતા ગેસને પગલે સ્થાનિકો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે. ત્રણ છોકરીઓને ગેસની અસર થતા ટોળું કંપની આગળ પહોંચ્યું હતું જેને પગલે પોલીસે દોડી આવી સમજાવટ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

કલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓ દ્વારા અવારનવાર ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે. સ્થાનિકોએ આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજુઆત કરવા છતાં કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી. જીઆઇડીસીમાં આવેલી સહયોગ ઓર્ગેનિક કંપની દ્વારા હવામાં ઝેરી વાયુ છોડવામાં આવતા સામે રહેલ ગુરુકુળ હોસ્ટેલની ત્રણ વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઇ હતી.ઝેરી ગેસથી બેભાન થયેલ ત્રણેય છોકરીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાને પગલે રોષે ભરાયેલ વિદ્યાર્થીઓ રજુઆત કરવા ટોળા સ્વરૃપે કંપની પર પહોંચી ગયા હતા જેને પગલે પોલીસ પણ દોડી આવી હતી.ઘટનાની જાણ થતાં ધારાસભ્ય તેમજ મામલતદાર પણ જીઆઇડીસીમાં આવીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

(6:40 pm IST)