Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વડોદરા નજીક ભાયલી વિસ્તારમાં ચોરી કરનાર યુવકને તાલુકા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

વડોદરા :નજીક ભાયલીના મંદિરમાં ચોરી કરનાર યુવાન ટેટૂ આર્ટિસ્ટને તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો.

ઉલ્લેખનીય છે કે ભાયલીમાં પટેલવાડી સામે આવેલું અંબાજી માતાજીનું મંદિર રાત્રે બંધ કર્યા બાદ સવારે છ વાગે જ્યારે ખોલવા પૂજારી ગયા ત્યારે મંદિરની દાનપેટી તૂટેલી જણાઇ હતી અને ભક્તો દ્વારા દાન કરેલી રોકડ રકમ પણ ગાયબ હતી. આ બનાવ અંગે મિતેશ લાલજીભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં પોલીસ દ્વારા મંદિરચોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી.

મંદિરમાં ચોરી કરનાર એક નવયુવાન આજુબાજુના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેથી તેની શોધખોળ દરમિયાન શંકાસ્પદ શખ્સ સફેદ બાઇક લઇને ભાયલીથી ગોકુળપુરા જાય છે તેવી માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડયો હતો અને તેની કડકાઇથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા શખ્સનું નામ શિવ જીતેન્દ્ર પટેલ (રહે.સોની ખડકી, ભાયલી) જાણવા મળ્યું હતું. તે ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે તેમજ મોજશોખ માટે પૈસાની જરૃરિયાતના પગલે ચોરીની કબૂલાત કરી  હતી.

(6:51 pm IST)